Patidar Anamat Andolan - સુરતમાં હાર્દિક પટેલની ધરપકડના વિરોધમાં 25 હજાર પાટીદારો રેલીમાં જોડાયા

શનિવાર, 2 સપ્ટેમ્બર 2017 (12:49 IST)
હાર્દિક પટેલ અને પાસના અન્ય અગ્રણીઓની ધરપકડના વિરોધમાં શુક્રવારે મોડી રાત સુધી 25000થી ‌વધુ પાટીદાર યુવકોની જય સરદાર, જય પાટિદારના નારા સાથે નીકળેલી વિધાનસભાની ચૂંટણી પૂર્વે નીકળેલી આ રેલી પાટીદારોના શક્તિપ્રદર્શન જેવી હતી. રેલી યોગી ચોકથી નીકળી અને માનગઢ ચોક પહોંચતા પહેલા અન્ય સાત સ્થળેથી આયોજીત થયેલી રેલી મુખ્ય રેલીમાં જોડાઈ હતી. શક્તિપ્રદર્શન કરવામાં પાટીદાર યુવાનો સફળ રહ્યા છે ત્યારે જો ચૂંટણી સુધી આ માહોલ જળવાઈ રહે અને પાટીદારો મતપેટી સુધી આ વિરોધ જાળવી રાખે તો ભાજપને વિધાનસભાની ચાર બેઠકો પર અસર સહન કરવાનો વખત આવશે.

વરાછા, કરંજ, ઉત્તર અને કામરેજ વિધાનસભા વિસ્તારના યુવાનો આ રેલીમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. એટલું જ નહીં પણ યુવાનોનો સરકાર સામેનો આક્રોશ પણ ચરમસીમાએ પહોંચ્યો હોય તેવું સ્પષ્ટ જોઈ શકાતું હતું. વરસાદના ઝાપટાઓ વચ્ચે પણ પાટીદાર યુવકો રેલી આગળ વધી રહ્યા હતા.પાટીદારોની રેલીમાં આકર્ષણ બની રહે તે માટે એક યુવક હાથમાં હળ લઈ ટેમ્પો પર ચઢી ગયો હતો. રેલીની આગળ એક ડી. જે. સાઉન્ડ સિસ્ટમવાળો ટેમ્પો પણ હતો. અનામતને લગતા બનાવેલા ગીતો પર પાટીદારો નાચી રહ્યા હતા. બીજી તરફ, રેલીના કારણે લોકોને હેરાનગતિ ન થાય તે માટે પોલીસ દ્વારા દરેક ત્રણ-ચાર રસ્તા ઉપર 10થી વધુ પોલીસકર્મચારીઓને ટ્રાફિક વ્યવસ્થા માટે ગોઠવ્યા હતા. રેલી વરાછા મેઇન રોડ પર આવ્યા બાદ દરેક ગલીઓમાંથી પાટીદાર યુવકો તેમાં જોડાયા હતા.

આ રેલીમાં યુવકો હાર્દિકને છોડવા અને અનામતની માગણીની બૂમો પાડતા સાંભળવા મળ્યા હતા.આગામી વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર વિસ્તારમાં ભાજપને લોઢાના ચણા ચાવવા પડે તેમ છે. શુક્રવારે યોજાયેલી રેલીમાં સરકાર પાટીદાર માટે કશું નથી કરતી તેવું દૃશ્ય ઉભું કરવામાં પાસ સફળ થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. પાટીદાર યુવાનોને જોડવામાં પાસને સફળતા પણ મળી છે. આગામી ચૂંટણીમાં પાસની આ રેલી ભાજપને રેલો લાવશે, એવું રેલીમાં જોડાનારા યુવાનો બોલતા સંભળાયા હતા.

રેલીમાં જોડાયેલા પાટીદારો પોલીસને જોઈને વધુ ઉશ્કેરાઈ રહ્યા હતા. પરંતુ પહેલેથી જ સંયમ રાખવા કહી દેવામાં આવ્યું હોય તેમ પોલીસ મૂકપ્રેક્ષક બની ગઈ હતી. હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયાની મુક્તિ માટે તેમજ અનામતની માગણી મજબૂત બનાવવા માટે નીકળેલી આ રેલીમાં મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો જોડાતા રાજકીય સમીકરણો બદલવાની સાથે રાજકીય પંડિતો પણ માથું ખંજવાળતા થઈ ગયા છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર