મોદી વિનાની ચૂંટણીમાં કોંગ્રેસ વિકાસનું એન્કાઉન્ટર કરીને બાજી મારી શકશે?
શુક્રવાર, 13 ઑક્ટોબર 2017 (12:48 IST)
ગુજરાતમાં પ્રથમ વાર ચૂંટણી વિકાસ અને વિકાસના એન્કાઉન્ટર પર ફોકસ થઈ છે.ગુજરાતમાં મોદીના સીએમ તરીકેના વળપણ હેઠળ ચૂંટણી યોજવામાં આવતી હતી, પણ પ્રથમવાર ૧૮ વર્ષ બાદ મોદી વગર ચૂંટણી લડવામાં આવશે. જે મોદી માટે નહીં મોદી સરકાર માટે પણ આ પ્રતિષ્ઠાનો સવાલ છે. બીજી તરફ અણધાર્યા રાહુલે ગુજરાત ગજવી દેતા કોંગ્રેસ હાલમાં જોરમાં છે. ત્યારે એક એવો પ્રશ્ન પણ છે કે શું ભાજપ અને કોંગ્રેસ માટે આરપારની લડાઈમાં કોઈ ત્રીજો ફાવશે ? એ વાત વિરોધીઓએ પણ સ્વીકારવી પડે કે મુર્છિત અવસ્થામાં રહેલી કોંગ્રેસમાં હાલ પ્રાણ ફૂંકાયા છે. રાહુલે એકલે હાથે તેમાં પ્રાણ પૂર્યા તેમ પણ કહી શકાય. ગુજરાતમાં પ્રથમ વાર ચૌ પાંખિયો જંગ ખેલાય રહ્યો છે. બાપુની જનવિકલ્પ અને કેજરીવાલની આપ કોઈનું ગણિત બગાડી શકે છે કે કેમ તે એક મુદ્દો છે. આમતો ભાજપ-કોગ્રેસ વચ્ચે મુખ્ય લડાઈ છે આમછતાં પાટીદાર, દલિતો કિંગ મેકરની ભૂમિકામાં છે. ગુજરાતના કુલ મતદારોમાં ૨૦ ટકા પાટીદારો વિજયનું ગણિત બદલી શકે છે. દલિતોની ઉપેક્ષા પણ સરકારને ભારે પડી શકે છે. બીજેપીનો ૧૫૦ નો ટારગેટ કેવી રીતે પુરો થશે તે એક પ્રશ્ન છે કારણકે ખુદ કાર્યકરો નિરુત્સાહ છે. બીજી તરફ ભાજપની તમામ નબળાઈ કોગ્રેસનો મોટો ફાયદો કરાવશે. ગુજરાતમાં કોગ્રેસ બે દશકાથી સત્તા બહાર છે ત્યારે હવે તેના માટે સોનેરી તક છે. ભાજપ વિકાસનુ બ્યુગલ વગાડી રહ્યું છે ત્યારે કોંગ્રેસ વિકાસના એન્કાઉન્ટરનું સાથોસાથ નોટબંધી અને જીએસટી જેવા મુદ્દા સાથે ઉઘોગપતિઓની સરકારનું બ્યુગલ વગાડે છે. ગુજરાતમાં ૧૮ વર્ષની ભાજપનુ રાજ છે પણ હવે શિક્ષિતો સજાગ બન્યા છે. દેશના વડાપ્રધાને ગુજરાતની એક વર્ષમાં ૧૨ વાર મુલાકાત લીધી હોય તેવી આ પહેલી ઘટના છે. રાહુલ ગાંધીએ છેલ્લા ૩ માસમાં ગુજરાતની ૩ મુલાકાત લેતાં ભાજપ ચિંતામાં આવી ગયું છે. રાહુલ ગાંધીના પ્રવાસમા જન મેદની વધી છે જયારે ગૌરવ યાત્રા ફિકી પડી ગઈ છે તે પણ દીવા જેવી હકીકત છે.