કોંગ્રેસના MLA ઈમરાન ખેડાવાલાએ કોરોનાને આપી મ્હાત, બતાવી પ્લાઝમા આપવાની તૈયારી

સોમવાર, 27 એપ્રિલ 2020 (16:06 IST)
કોરના વાયરસનું સંક્રમણ હાલ સમગ્ર વિશ્વમાં વ્યાપી ગયુ છે જેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા મહામારી જાહેર કરવામાં આવી છે. કોરોનાના સંક્રમણથી વિશ્વભરની આખી માનવજાત પીડાઈ રહી છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કોરોનાને મ્હાત આપી છે. તેમને આજે સવારે અમદાવાદની એસવીપી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે. ઇમરાન ખેડાવાલાનો બીજો રિપોર્ટ પણ નેગેટિવ આવતાં આજે તેમને હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે. 
 
ઈમરાન ખેડાવાલા અમદાવાદમાં ખાડિયા-જમાલપુર બેઠકના ધારાસભ્ય છે. તેમને 14 એપ્રિલે મોડી સાંજે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં એસવીપી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અને ત્યારથી તેમની સારવાર ચાલી રહી છે. એડમિટ થયાના નવ દિવસ બાદ રિપોર્ટ કરાયો ત્યારે પોઝિટિવ આવ્યો હતો. પરંતુ થોડા દિવસ પહેલા તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તો રવિવારે પણ બીજો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હોવાથી તેમને આજે રજા અપાશે. તો તેમના પરિવારને પાંચ સભ્યોને પણ ચેપ લાગતાં તેઓ પણ સારવાર હેઠળ છે. ઈમરાન ખેડાવાલાએ પોતાને મળતી સારવાર અંગે સંતોષ વ્યક્ત કર્યો છે.
 
ઈમરાન ખેડાવાલાએ કોરોનાના દર્દીઓની સારવાર માટે પોતાના પ્લાઝમા આપવાની પણ તૈયારી બતાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે મોડીરાત્રે કોંગ્રેસના અન્ય એક નેતા બદરુદ્દીન શેખનું કોરોના વાયરસના કારણે દુ:ખદ અવસાન થયું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર