ભાજપ સરકારે કોંગ્રેસની ચિંતા છોડીને નર્વસ નાઈન્ટીમાં આવ્યાં તેની ચિંતા કરવી જોઈએ - પરેશ ધાનાણી

ગુરુવાર, 22 ફેબ્રુઆરી 2018 (16:49 IST)
કોંગ્રેસના ધારાસભ્યોની પ્રશિક્ષણ શિબિરમાં અડધા ધારાસભ્યો પણ નહી હોવાની ચિંતા કર્યા વિના ભાજપે તેમની બેઠકો ૧૨૭થી ઘટીને નર્વસ નાઇનટીમાં કેમ આવી ગઈ તેનું ચિંતન કરવા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ટકોર કરી છે. ગુજરાત વિધાનસભમાં આજે પ્રશ્નોતરી સમય બાદ કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઇ વંશે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉપસ્થિત કર્યો હતો. પ્રશ્નોતરી સમયમાં ટૂંકા પુરક પ્રશ્ન અને મંત્રીના જવાબો ટૂંકાણમાં આપી વધારે પ્રશ્નો ચર્ચામાં આવે તેવી વિપક્ષની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. તેમાં સંસદીય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ટીપ્પણી કરતા જણાવ્યું હતું કે, અમે પ્રશિક્ષણ શિબિર યોજી ભાજપના સભ્યોને સંસદીય પ્રણાલીની તાલીમ આપીએ છીએ. જ્યારે કોંગ્રેસ દ્વારા કપડવંજ કે બેંગ્લોરના રિસોર્ટમાં લઇ જઇ કેમ્પ કરવામાં આવે છે.

તેમાં પણ કોંગ્રેસના અડધા ધારાસભ્યો હાજર રહેતા નથી. આ ટીપ્પણીનો જવાબ આપતા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્યોની ચિંતા કર્યા વિના ભાજપ ૧૨૭ બેઠકોમાંથી નર્વસ નાઇનટીમાં કેમ થઇ ગઈ તેનું ધ્યાન રાખવું જોઈએ. વાસ્તવમાં તો આ સરકાર નવા ધારાસભ્યો માટે પ્રશિક્ષણ શિબિર પણ નથી યોજી શકતી. આ પછી રાજ્યપાલના પ્રવચન ઉપર આભાર પ્રસ્તાવની ચર્ચામાં ભાગ લેતા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કાવ્યમય રચનામાં માર્મિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, વાયદાઓના વેપાર કરતી આ સરકારે એક વર્ષમાં જ ૪૭૫ નિર્ણય ચૂંટણીના કારણે લેવા પડ્યા હતા. આમ છતાં નર્વસ નાઈનટીમાં આવી ગયેલી ભાજપ સરકારના ખોખલા નિર્ણયોના કારણે પ્રજાની હાડમારી વધી છે. ૧.૭૧ લાખ કરોડના બજેટમાં ક્યાંય વિકાસ દેખાતો નથી. પરંતુ પોતાના અધિકાર માટે આંદોલન કરનાર ઉપર અત્યાચાર ગુજારી આ સરકારે ખેડૂતો, યુવાનો અને ગૃહિણીઓને હળહળતો અન્યાય કર્યો છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર