અત્યાર સુધી આરામ કરતી ભાજપ સરકાર ચૂંટણી નજીક આવતાં જ વિવિધ પ્રોજેક્ટોના લોકાર્પણ કરવા માંડી
બુધવાર, 4 ઑક્ટોબર 2017 (12:51 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે આચારસંહિતા લાગે તે પહેલાં જ કામો પૂર્ણ કરવા ભાજપ સરકારે દોડધામ મચાવી છે. છેલ્લાં એકાદ સપ્તાહથી મંત્રીઓથી માંડીને ધારાસભ્યો ખાતમૂહુર્ત,લોકાર્પણ, ઉદઘાટનમાં જ રચ્યાપચ્યાં થયાં છે.
આ વખતે લોકોમાં ભાજપ સરકાર પ્રત્યે ભારોભાર રોષ ભભૂકી રહ્યો છે તે જોતાં લોકોનો રોષ ઠારવા કામ કરતી સરકારનો દેખાડો કરવા ગોઠવણ કરાઇ છે. સરકારે સચિવોથી માંડીને કલેક્ટર સુધી અંદરખાને ભાજપના બાકી કામો પૂર્ણ કરવા સૂચના આપી દીધી છે. ધારાસભ્યો પાસેથી પણ બાકી કામોની યાદી મંગાવી કામો પૂર્ણ કરવા આદેશ કરાયો છે. ગ્રામ પંચાયતથી માંડીને કલેક્ટર કચેરીમાં બાકી કામો પૂર્ણ કરવા અધિકારી કામે લાગ્યાં છે. સરકારી તંત્ર ભાજપના ઇશારે ઉંધા માથે થઇને કામ કરી રહ્યું છે. રોજરોજ ફલાયઓવર,પાણીની ટાંકી,રસ્તા સહિત વિકાસના કામોના ખાતમુહુર્ત,લોકાર્પણ,ઉદઘાટન થવા માંડયાં છે. મંત્રીઓ રોજના પાંચ-પંદર કામોના ઉદઘાટન કરવા માંડયાં છે. ચૂંટણીઓ જાહેર થાય તેના ડરથી વિવિધ પ્રોજેક્ટના કામોની ફટાફટ મંજૂર કરવામાં આવી રહ્યાં છે. મળતિયાઓની ફાઇલો પણ ક્લિયર કરવામાં આવી રહી છે. બિલ્ડરો માટે ટીપી સ્કિમોથી માંડીને અન્ય પ્રોજેક્ટ મંજૂર થઇ રહ્યાં છે.