જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના પદાધિકારીઓ અને ત્યારબાદ અધિકારીઓ સાથે બેઠક યોજી પ્રભારીમંત્રીએ કહ્યું કે, રસ્તાના નબળા કામ કરનાર એજન્સીઓ સામે કાર્યવાહી કરો અને આવી એજન્સીઓને બીજી વાર કામ ના મળે તેવી વ્યવસ્થા ઉભી કરો. સરકારી જમીનમાં દબાણ શું કામ થાય ? દબાણ થઇ જાય પછી દુર કરવા કાર્યવાહી કરવી એના કરતા દબાણ ન થાય તેવી વ્યવસ્થા ઉભી કરવા તેમણે સ્પષ્ટ તાકીદ કરી હતી.
પી.જી.વી.સી.એલ. દ્વારા એક જ સર્વે નંબરમાં ખેડુત વીજ કનેકશન શીફ્ટ કરવા માંગે તો તેને મંજુરી આપવી. સરકારની કચેરીમાં આવતા લોકો સાથેનો વ્યવહાર બદલો, લોકો તેમનાં કામ માટે આવે છે. તેને સારો જવાબ મળવો જોઇએ. સીવીલ હોસ્પીટલમાં સફાઇમાં તકેદારી રાખવા સાથે જૂનાગઢ શહેર અને અન્ય શહેરોમાં રખડતા પશુઓની સમસ્યાનો નીવેડો લાવવા જિલ્લા પ્રભારી મંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ સુચનાઓ આપી હતી.
બેઠકનો પ્રારંભે કલેકટર કચેરી , જિલ્લા પંચાયત , જિલ્લા પોલીસ, કોર્પોરેશન , વાસ્મો આર.ટી.ઓ, સહિતની કામગીરીનું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન સાથે સંબંધિત અધિકારીઓએ મંત્રીને માહિતગાર કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયા, મેયર ધીરૂભાઇ ગોહેલ, સાંસદ રાજેશભાઇ ચૂડાસમા, ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા, ભારતીય જનતા પક્ષનાં જિલ્લા પ્રમુખ કિરીટભાઇ પટેલ, શહેર પ્રમુખ પૂનીતભાઇ શર્મા, જિલ્લા સહકારી બેંકનાં મેનેજીંગ ડીરેક્ટર દિનેશભાઇ ખટારીયા, જિલ્લા કલેકટર રચીત રાજ, જિલ્લા વીકાસ અધીકારી મીરાંત પરીખ, મહાનગરપાલીકાના કમીશ્નર આર.એમ. તન્ના, જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી, નાયબ વન સંરક્ષક ધીરજ મિત્તલ, એસ.કે.બેરવાલ, સહિત જિલ્લા કક્ષાનાં તમામ ઉચ્ચ અધીકારીઓ તેમજ પદાધિકારીઓ સાથેની બેઠકમાં તાલુકા પંચાયતનાં પ્રમુખઓ, જિલ્લા પંચાયતનાં હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.