યાયાવર પક્ષીએ ઠંડા પ્રદેશની નાગરિકતા છોડીને સ્વીકારી છે વઢવાણા તળાવની નાગરિકતા...!!

મંગળવાર, 11 જાન્યુઆરી 2022 (11:27 IST)
કાળી ડોક ઢોંક પક્ષી યુગલે સયાજી નિર્મિત સરોવરના કાંઠે બાંધ્યું છે ઘર..
 
પક્ષી, નદી અને પવનની લહેરોને કોઈ સરહદ નડતી નથી.એટલે જ દૂર દૂરના ઠંડા પ્રદેશો માં થી દર વર્ષે હજારો માઈલ અવિરત ઉડીને હજારો પક્ષીઓ વડોદરા જિલ્લાના વઢવાણા જળાશય ખાતે હિંદનો એમના માટે હૂંફાળો શિયાળો ગાળવા આવે છે.પાસપોર્ટ, વિઝાની એમને કોઈ પળોજણ હોતી નથી.પણ મોસમ વિતે એટલે આ પાંખાળા મહેમાનો શિસ્તબદ્ધ રીતે કાફલો ઉઠાવી ને પોતાના પ્રદેશમાં જતા રહે છે.
જો કે વિરલ ગણાતા કાળી ડોક ઢોંક પક્ષી વર્ગનું એક યુગલ જાણે કે પોતાના ઠંડા વતન પાછા ફરવાનો રસ્તો જ ભૂલી ગયું હોય તેમ વઢવાણા પક્ષી તીર્થ માં પાછલા 7  થી વધુ વર્ષોથી  કાયમી વસવાટ કરી રહ્યું છે. આમ તો આ પક્ષી સંપૂર્ણ એશિયા ,ઉત્તર - પૂર્વ એશિયા તેમજ ઓસ્ટ્રેલિયા માં વસવાટ કરે છે.
 
જેમનો આત્મા પક્ષી અને વન્ય જીવ છબિકલા છે તેવા ડો.રાહુલ ભાગવત જણાવે છે કે આમ તો આ પક્ષી યાયાવર છે,પણ વઢવાણા માં તેણે કાયમી વસવાટ કર્યો છે.આ પક્ષી ખૂબ મોટો માળો બનાવે છે.તે માળો ખૂબ મજબૂત હોય છે, પુખ્ત માણસ પણ આ માળા માં ઉભો રહે તો પણ આ માળા ને કઈ ના થાય એટલો મજબૂત હોય છે.
એકવાર બાંધ્યા પછી આ માળાનો ઉપયોગ પંખી દંપતી ઘણાં વર્ષો સુધી નિયમિત કરે છે, વઢવાણા કાંઠાના સિમલિયા ગામ માં આમલી ના ઝાડ પર બનાવેલા આમાળાનું  છેલ્લા 7 વર્ષ થી અવલોકન કર્યું છે. એકજ માળામાં કાળી ડોક ઢોંક નિયમિત વસવાટ કરતું હતું. જે માળો ઝાડ પડી જતાં જમીન પર આવી ગયો હતો,ત્યારે તેનું અવલોકન કર્યું હતું.આ માળો અત્યારે વઢવાણા સરોવર ખાતે વન વિભાગે સાચવી રાખ્યો છે અને પ્રવાસીઓ તેનું નિરીક્ષણ કરી શકે છે.
 
આ માળો તૂટ્યા બાદ સામેના ઝાડ પર પક્ષીયુગલે ખૂબ મહેનત કરીને બીજો માળો બાંધ્યો છે.આ પક્ષી યુગલને વઢવાણા નો કાંઠો એટલો તો માફક આવી ગયો છે કે અહીં તે સંવનન અને પ્રજનન કરે છે જેના પગલે પાછલા  બે થી ત્રણ વર્ષથી એમના ઘેર પારણું પણ બંધાય છે અને પરિવાર બચ્ચાવાળો બન્યો છે. આ બધી બાબતો નો અભ્યાસ કરતા જાણવા મળ્યું કે આ દુર્લભ પક્ષી નો માળો તૂટવા છતાં તેણે ત્યાં જ બીજો માળો બનાવ્યો પણ  જગ્યા ના છોડી. ડો.રાહુલ કહે છે કે એના પરથી એ સાબિત થાય છે કે કાળી ડોક ઢોંક બેલડી માટે અહી ખુબજ અનુકૂળ વાતાવરણ રહેવા માટે છે.કમનસીબે આ પક્ષી નાશ પામતા પક્ષીઓ ની યાદી એટલે કે વંશ વિનાશના જોખમ હેઠળની યાદીમાં છે. 
 
ગુજરાત માં ખુબ ઓછા પ્રમાણમાં તે દેખાવાના દાખલા છે . જામનગર અને કચ્છ માં ક્યારેક જોવા મળે છે. વડોદરા માટે ગૌરવ લેવા જેવી વાત છે કે વડોદરાની આસપાસમાં આની બે જોડી કાયમી વસવાટ કરે છે.તેમજ વડોદરા માં સફળતા પૂર્વક પ્રજનન કરે છે. રાહુલભાઇ એ આ પક્ષી ની જીવન શૈલીનું  કલાકોના કલાકો બેસી ને અવલોકન કરેલું છે.તેને માળામાં પ્રણય ક્રીડા કરતા પણ અવલોકન  કર્યું  છે .
 
સાપ ,માછલી વગેરે નો શિકાર કરતા નિરીક્ષણ કર્યું છે. આ પક્ષી જ્યારે માળા માં ઈંડુ હોય તો નર અને માદામાંથી એકજ ખોરાક લેવા જાય છે. માળો ખૂબ ઊંચા ઝાડ ના ટોચે બનાવે છે,જેથી કરી ને નર અને માદા એકબીજા પર નજર રાખી શકે. ડો. રાહુલનું તારણ છે કે વડોદરાના જળ સ્ત્રોતોમાં આ પક્ષીઓને  ખૂબજ સુરક્ષિત અને અનુકૂળ વાતાવરણ મળી રહે છે.કાળી ડોક ઢોંક બધા ઢોંક વર્ગના બગલાઓ માં સૌથી મોટો અને દમામદાર છે. તેની ચાંચ મોટી, કાળી અને ઉપર ની તરફ સહેજ વળેલી,પગ લાંબા અને રંગે ગુલાબી.માથું,ડોક તથા ખભા આસપાસ ના ભાગ સિવાય નો ઉપરનો ભાગ ચળકતો કાળો જેમાંતડકામાં  વિવિધ રંગ ની છાય દેખાય છે. પેટાળ અને ખભા આસપાસ નો પીઠનો ઉપલો ભાગ અને અડધી પાંખ સફેદ હોય છે.
 
નર અને માદા સરખા દેખાય. નર ની આંખ લાલ અને ઘેરી જ્યારે કે માદાની આંખ પીળી દૂર થીજ ખબર પડે. આંખ નો રંગ નર અને માદા ને દૂર થી જુદા તારવે છે.દમામદાર ચાલ વાળું આ પક્ષી અલ્પસંખ્યક કહેવાય તેવું પક્ષી છે. નદી,તળાવો,કાદવ વાળા છીછરા જળવિસ્તરો માં જોવા મળે,એકલ દોકલ હોય,ટોળા માં ક્યારેય ન જોવા મળે એ તેની વિશેષતા.
 
ડો. રાહુલ ભાગવત વડોદરામાં અને આસપાસના જળ ધામોમાં જોવા મળતા પક્ષીઓના અભ્યાસી છે, જાણકાર છે.તેઓ ભારતભરમાં નિયમિત રીતે પક્ષી અવલોકન માટે જાય છે અને ભારતભરના જંગલો માં ફરી ને 900 થી વધારે પ્રજાતિ ના પક્ષીઓ નું અવલોકન કર્યું છે અને તેના ફોટા પાડ્યા છે . તેમના અવલોકન માંથી આ જાણકારી પ્રાપ્ત થઈ છે. દૂરના દેશોમાં થી વડોદરાના જાણીતા અજાણ્યા તળાવો ખાતે આવતા પક્ષીઓ આપણા મહેમાન છે.તેમને સુરક્ષિત વાતાવરણ આપવાની સૌ ની ફરજ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર