રાજ્યમાં હાડ થિજાવતી ઠંડી યથાવત, 5.8 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ

મંગળવાર, 11 જાન્યુઆરી 2022 (10:50 IST)
રાજ્યમાં કમોસમી વરસાદ ખાબક્યા બાદ ઠંડીએ જોર પકડ્યું છે ઠંડીનો પારો વધુ ગગડતાં વધુ કાતિલ બનતી જાય છે., ત્યારે આગામી 4 દિવસ બાદ આવી રહેલી ઉત્તરાયણમાં કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉત્તર-પૂર્વ તરફથી ફૂંકાઈ રહેલા બર્ફિલા પવનને કારણે શીતલહેરનું મોજું ફરી વળ્યું છે. અમદાવાદ, રાજકોટ, નલિયા સહિત રાજ્યનાં 9 શહેરોમાં સિંગલ ડીઝીટ તાપમાન નોંધાતા લોકો ઠરી ગયા હતા. ત્યારે ગુજરાતમાં 2 દિવસ કડકડતી ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
 
ગુજરાતમાં 2 દિવસ કોલ્ડવેવની આગાહી કરી છે. આ સિવાય છેલ્લાં 24 કલાકમાં હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં નોધાયેલા તાપમાનના આંકડા જાહેર કર્યા છે. જેમાં કચ્છના નલિયાનું તાપમાન 5.8 ડિગ્રી નોંધાયું છે. જ્યારે વડોદરા 9 ડિગ્રી, અમદાવાદ 10.6 ડિગ્રી, પાટણ અને ડીસા 9.9 ડિગ્રી, રાજકોટ 9.2 ડિગ્રી નોંધાયું છે. એટલું જ નહીં સમગ્ર રાજ્યમાં આગામી 2 દિવસ કાતિલ પવન પણ ફૂંકાવવાની આગાહી કરવામાં આવી છે.
 
હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'આગામી બે દિવસ દરમિયાન કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણમાં કાતિલ ઠંડી પડી શકે છે. જોકે, બુધવારથી ઠંડીનું જોર ઘટવા લાગશે અને લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે.'
 
રાજ્યમાં પર્વતીય વિસ્તારોમાં વધુ પડતી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા ચે. ગિરનાર પર્વત પર હાડ થીજવી દેનાર પવન ફૂંકાઇ રહ્યો છે. તો બીજી તરફ ગુજરાતીઓના મનપસંદ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ હાડ થીજવતી ઠંડી પડી રહી છે. માઉન્ટ આબુમાં સિઝનનું સૌથી નીચું તાપમાન માયનસ ત્રણ ડિગ્રી નોંધાતા રહીશો સહિત સહેલાણીઓ ઠુંઠવાયા હતા. છેલ્લા ત્રણ દિવસથી તાપમાન નીચું જતા માયનસ ડિગ્રી ચાલી રહ્યું છે. આથી બરફ છવાયેલો જોવા મળ્યો છે. માઉન્ટ આબુના ગુરુ શિખર પર તાપમાન માઈનસ 5 ડિગ્રી પર પહોંચી ગયું હતું. તાપમાન શૂન્ય ડિગ્રીની નીચે પહોંચી જવાને કારણે માઉન્ટ આબુમાં બરફની ચાદર છવાઈ ગઈ હતી. 
 
આ સિવાય, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ આજે કાતિલ ઠંડીનો અહેસાસ થયો હતો. દરિયાકાંઠાના અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોને બાદ કરતાં મોટાભાગના જિલ્લામાં લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાયું છે. માત્ર રાતના અને વહેલી સવારના જ નહીં, પરંતુ દિવસના તાપમાનમાં પણ આજે ઘટાડો જોવા મળતાં લોકોને બપોરે પણ ઘરમાં સ્વેટર પહેરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર