વિશ્વના સૌથી વિરાટ ટેલિસ્કોપમાં વપરાનારી ટેકનોલોજી ભારતમાં નિર્માણ પામી રહી છે

ગુરુવાર, 8 જાન્યુઆરી 2015 (17:24 IST)
વિકાસની પ્રક્રિયા ઝડપી બનાવવા યુવાનોને જોડવા પડશે. કૌશલ્યમાં વૃદ્ધિ, સંશોધનને અગ્રતા અને ઉદ્યોગ સાહસિકતાથી આપણે ભારતને વધુ મજબૂત અને સમર્થ કરી શકીશું એમ જણાવતા કેન્દ્રના વિજ્ઞાન, ટેકનોલોજી પ્રધાન ડૉ. હર્ષવર્ધને વિશ્ર્વના સૌથી મોટા ટેલિસ્કોપના નિર્માણમાં ભારત સિંહફાળો આપી રહ્યો હોવાની બાબત ગૌરવપૂર્ણ રીતે જાહેર કરી હતી.

પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીના શુભારંભ પછી વિજ્ઞાન અને પ્રાદ્યોગિકીને જાણો-ભારતને માનો વિષયક પરિસંવાદમાં અધ્યક્ષસ્થાનેથી બોલતાં ડૉ. હર્ષવર્ધને વધુમાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી નિવાસી ભારતીયો અને બિનનિવાસી ભારતીયોના જોડાણને સુગ્રથિત સંસ્થાનનું સ્વરૂપ આપવા પ્રતિબદ્ધ છે. જેમના ડીએનએમાં ભારતીય સંસ્કારો અને સંસ્કૃતિ છે એવા લોકોનો સમૂહ સંગઠિત થઇને ભારતને વિકાસની નવી ઊંચાઇએ લઇ જશે.

વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગથી આપણે સંશોધન અને વિકાસની ઝડપમાં વૃદ્ધિ થાય એ માટે પ્રયત્નશીલ છીએ. ભારતમાં ૪,૫૦૦ જેટલી સંશોધન સંસ્થાઓ કાર્યરત છે. ૯૦૦ જેટલા રિસર્ચ ડેવલોપમેન્ટ સેન્ટર, ૭૦૦ યુનિવર્સિટીઓ, સાયન્સ અને એન્જિનિયરિંગની ૩૭,૦૦૦ કોલેજો, ૨૦,૦૦૦ જેટલા વૈજ્ઞાનિકો અને ૮,૦૦૦ જેટલા સંશોધકોથી ભારત સમૃદ્ધ છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વિકાસથી ભારતે મંગલયાન પ્રસ્થાન, હેલ્થકેર, બાયોટેકનોલોજી, બાયો ડિઝાઇન ટેકનોલોજી, બાયોડાયવર્સિટી, ડિજિટલ લાઇબ્રેરી અને ક્લિન એનર્જીના ક્ષેત્રમાં કરેલા વિકાસ વિષે વિસ્તૃત વિગતો આપતાં ડૉ. હર્ષવર્ધને વધુમાં કહ્યું હતું કે, ભારત અત્યારે અમેરિકા, જાપાન અને કેનેડા સાથે મળીને ૩૦ મીટરના ટેલિસ્કોપનું નિર્માણ કરી રહ્યું છે. વિશ્ર્વના આ સૌથી વિરાટ ટેલિસ્કોપમાં વપરાનારી મોટા ભાગની ટેકનોલોજી ભારતમાં નિર્માણ પામી રહી છે. ૨૦૧૪માં શરૂ થયેલો આ પ્રોજેક્ટ વર્ષ ૨૦૨૩માં પૂર્ણ થશે અને હવામાં આ ટેલિસ્કોપ પ્રસ્થાપિત થશે.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ભારતમાં ૧૦,૦૦૦ વૈજ્ઞાનિકોએ દર વર્ષે ૧૨ કલાકની સેવાઓ શાળા-કોલેજના વિદ્યાર્થીઓને આપવાની તત્પરતા દર્શાવી છે. આ પ્રયોગ ભારતના વિદ્વાન વૈજ્ઞાનિકો અને દેશના યુવાનો-વિદ્યાર્થીઓ વચ્ચે જ્ઞાનનો સમૃદ્ધ સેતુ બનશે. તેમણે યુવાનોને ભારતમાં આવીને વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી ક્ષેત્રે પ્રદાન આપવા આહવાન કર્યું હતું.

ગુજરાતના નાણાં, ઊર્જા, પેટ્રોકેમિકલ્સ, કુટિર ઉદ્યોગો તથા આયોજન અને પ્રવાસન મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે પરિસંવાદના પ્રારંભમાં સ્વાગત ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, આધુનિક યુગમાં ભારત જ્ઞાનનું કેન્દ્ર સાબિત થઇ રહ્યું છે. વિશ્ર્વની ફોર્ચ્યુન-૫૦૦ કંપનીઓમાં ભારતના જ આઇ.આઇ.ટી. આઇ.આઇ.એમ., મેનેજમેન્ટના સ્નાતકો મહત્ત્વના સ્થાનો શોભાવી રહ્યા છે.

આજે અમેરિકામાં ભારતીયોની વસતિ ૧.૫ ટકા છે, પરંતુ અમેરિકામાં પ્રેક્ટિસ કરતા ડૉક્ટરોમાં ૩૮ ટકા ડૉક્ટરો ભારતીય છે. અગાઉ કૃષિ વિકાસને હરિત ક્રાંતિ અને દૂધ ઉત્પાદનને શ્ર્વેત ક્રાંતિ ની ઓળખ આપવામાં આવી હતી અને આજે ભારતે સોફટવેર ક્ષેત્રના વિકાસમાં હરિત ક્રાંતિ કરી છે અને અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે નીલ ક્રાંતિ કરી છે.

વેબદુનિયા પર વાંચો