વિવિધ રાજ્યોનાં મુખ્‍યમંત્રીઓ ગુજરાતમાં, રવિવારથી વાઈબ્રન્‍ટ સમિટ

શુક્રવાર, 9 જાન્યુઆરી 2015 (16:13 IST)
ભારત સરકાર દ્વારા ગુજરાત સરકારના યજમાન પદે ગાંધીનગરમાં તા. ૭ થી યોજાયેલ પ્રવાસી ભારતીય દિનની ઉજવણીનો આજે અંતિમ દિવસ છે. આજે સવારથી કેન્‍દ્રીય ગૃહમંત્રી શ્રી રાજનાથસિંહ તથા વિવિધ રાજ્‍યોના મુખ્‍યમંત્રીઓ આવી પહોંચ્‍યા છે. સાંજે ૪ વાગ્‍યે ઉપરાષ્‍ટ્રપતિ હમીદ અંસારીની હાજરીમાં સમાપન સમારોહ અને ૧૫ પ્રવાસી ભારતીઓનું સન્‍માન થશે.

   ૩ દિવસથી ચાલી રહેલા પ્રવાસીલક્ષી ઉત્‍સવમાં આજે સવારથી વિવિધ પરિસંવાદો યોજાયેલ છે. આજના મુખ્‍ય મહેમાનોમાં ગૃહમંત્રી રાજનાથસિંહ, યુપીના મુખ્‍યમંત્રી અખિલેશ યાદવ, મધ્‍યપ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ, હરીયાણાના મનોહરલાલ ખટ્ટર, કેરાળાના શ્રી ચાંદી, મહારાષ્‍ટ્રના દેવેન્‍દ્ર ફડનવીસ, ગોવાના શ્રી પારીકર સહિત ૯ જેટલા મુખ્‍યમંત્રીઓનો સમાવેશ થાય છે. ઉપરાષ્‍ટ્રપતિના વડપણ હેઠળની સમિતિએ પસંદ કરેલ ૧૫ પ્રવાસી ભારતીઓને સાંજે સન્‍માનિત કરવામા આવશે. ત્‍યાર બાદ સાબરમતી રીવરફ્રન્‍ટ ખાતે સાંસ્‍કૃતિક કાર્યક્રમ અને ભોજનનું આયોજન છે.

   રવિવારથી ગાંધીનગરમાં વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીની હાજરીમાં ૩ દિવસની વાઈબ્રન્‍ટ સમિટનો પ્રારંભ થશે. જેમાં દેશ વિદેશના સત્તાક્ષેત્રના વડાઓ હાજરી આપશે.

વેબદુનિયા પર વાંચો