વિશ્વના નકશા પર ભારત એક મોટો લોકતાંત્રિક દેશ છે. ધર્મ, જાતિ, સમાજ સહિત વિવિધ બાબતે સ્વાતંત્ર્ય બક્ષતા આ દેશનું બંધારણ સૌ કોઇને પ્રભાવિત કરે એવું છે. પરંતુ આપણી કમનસીબી છે કે આપણા ધુરંધર નેતાઓ, અધિકારીઓ, ઉદ્યોગપતિઓ છટક બારીઓ દ્વારા ધાર્યા ખેલ પાડે છે જે આપણું તંત્ર મુક બની તમાશો જોઇ રહે છે.
લોકશાહીના આ દેશમાં સમયસર ચૂંટણીઓ થાય છે. પંચની કડકકાઇને પગલે ખલનાયકોના હાથ હેઠા પડ્યા છે અને ચૂંટણી નિષ્પક્ષ થાય છે. પરંતુ આમાં પણ ધર્મ, જાતિ સહિતના ફેક્ટર કામે લગાડી કરવા વાળા બાજી મારી જાય છે. દવા, દારૂ, રૂપિયાની લાલચ આપી આમ જનતાને ફોસલાવી મત પોતાની ઝોળીમાં ઠલવતા આવા ખેલાડીઓ ભોળી જનતાને ભોળવી જાય છે. કાયદા, નિયમોથી અજાણ દેશની પ્રજા હજુ કંઇ જાણે એ પહેલા વચેટીયાઓ ગેરફાયદો ઉઠાવી લે છે.
લોકોના હિતને ધ્યાનમાં લઇને આપણા દેશમાં ન્યાયતંત્રને સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. તો પણ હાલના તબક્કે અહીં પણ સડો ઘુસી ગયો છે. વડી અદાલતના પૂર્વ ન્યાયાધીશે પણ કબુલ્યું હતું કે, આપણા ત્યાં ન્યાય પ્રણાલી પણ હવે ભ્રષ્ટાચારથી પર નથી. અદાલતોના ન્યાયાધીશો વિરૂધ્ધ ઘણી ફરિયાદો ઉઠી રહી છે. ન્યાયતંત્રમાં શરૂ થયેલા આ વાયરાથી પ્રજાને ફાયદો તો એક બાજુ રહ્યો સાચા ન્યાય માટે પણ શંકાઓ ઉપજે તેમ છે.
લોકોના રક્ષણની જવાબદારી જેમના શીરે છે એવા પોલીસ તંત્ર બાબતે શુ કહેવું ? પોલીસ દાદાઓની વાત કરીએ ત્યારે લોકોના ટેરવા ચડી જાય છે. લોકોના ચહેરા પરની રેખાઓ ખેંચાઇ આવે છે અને તેમનો રોષ ચરમસીમાએ પહોંચી જાય છે. રસ્તા પર બેસતા પાથરણાવાળાથી લઇને દારૂના અડ્ડાવાળાસુધી હપ્તો બોલી રહ્યો છે. મળતિયાઓ માટે કે રૂપિયા માટે જાણે કે અહીં કાયદાની છટકબારીઓ શોધવા માટે જ કામ થતું હોય એવું લાગે છે ત્યાં આમ જનતાનું કંઇ આવતું નથી.
આ બધી વાસ્તવિકતાઓ જોતાં શુ આપણે ગર્વ સાથે કહી શકીએ કે આપણું બંધારણ, આપણા કાયદા સાચા અર્થમાં આમ જનતાના હિત માટે છે?લાભકર્તા છે? શુ તમને નથી લાગતું કે ગણ્યાગાંઠ્યા જ લોકો તેનો ભરપુર ફાયદો ઉઠાવી રહ્યા છે જરૂરીયાતમંદ નિસહાય છે?