ભારતના ઘણા ભાગોમાં ચોમાસાની એંટ્રી થઈ ગઈ છે. ભારે વરસાદ સાથે દેશભરના અનેક રાજ્યોમાં ચોમાસાની અસર જોવા મળી રહી છે. મહારાષ્ટ્રથી બિહાર સુધી ભારે વરસાદ પડી રહ્યો છે. મુંબઇમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ઓરેંજ એલર્ટ રજુ કરવામાં આવ્યુ હતુ. યુપીના અનેક જિલ્લામાં પણ વાદળો સતત ગરજી રહ્યા છે. યુપી, બિહાર અને મધ્યપ્રદેશ પછી હવે ચોમાસું દિલ્હીમાં એંટ્રી મારી રહ્યુ છે. હવામાન વિભાગે કહ્યું કે આજે દિલ્હી એનસીઆર, હરિયાણા અને પંજાબમાં પણ વરસાદની સંભાવના છે. દિલ્હીમાં આજે હળવો વરસાદ જોવા મળશે.
હરિયાણા-પંજાબમાં વરસાદ
હવામાન વિભાગનું કહેવું છે કે હરિયાણામાં જુદા-જુદા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડશે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, "આગામી બે કલાક દરમિયાન જીંદ, કોસલી, ફરુકનગર, આદમપુર, રેવારી (હરિયાણા) અને આજુબાજુના વિસ્તારોમાં 20-40 કિમી પ્રતિ કલાકની પવનની ગતિ સાથે હળવાથી મધ્યમ તીવ્રતાનો વરસાદ પડશે."
પૂર્વી હવાઓના કમજોર પડવાથી મોનસૂનની ગતિ થોડી ધીમી થઈ ગઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી બે દિવસ સુધી હળવો વરસાદ પડશે, પરંતુ ચોમાસાની જાહેરાત માટે રાહ જોવી પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, મંગળવારે દિલ્હીના જુદા જુદા ભાગોમાં પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચતા હળવો વરસાદ પડી શકે છે. બુધવારે પણ હળવા વરસાદની સંભાવના છે. પરંતુ ધમાધમ વરસાદ માટે થોડી રાહ જોવી પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી છ દિવસ તાપમાન સામાન્ય કરતાં નીચે રહેશે. ખાસ કરીને બુધવાર અને ગુરુવારે હવામાન ખૂબ સુખદ રહેશે.
દેશના આ ભાગોમાં પણ પડશે વરસાદ
હવામાન વિભાગે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિત-બાલ્ટિસ્તન અને મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં જુદા જુદા સ્થાનો પર ભારે વરસાદ થશે.