સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રનો મહત્વનો ગણાતો મોરબી-કચ્છ હાઈ-વે પાણી પાણી થઈ ગયો છે. હાઈ-વે પર મચ્છુ નદીના પાણી ફરી વળ્યા છે. જેને કારણે મોરબીથી કચ્છનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. હાઈવે પર પાણી ભરાતા કાર પણ ફસાઇ છે. જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયા અને કોંગ્રેસ અગ્રણી જયંતીભાઈ પટેલ દોડી આવ્યા હતા
હાલારમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સતત બીજા દિવસે મેઘરાજાએ મુકામ કરતા આખા જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 35 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં જામનગરમાં 5 ઈંચ, કાલાવડમાં 3 ઇંચ, ધ્રોલમાં 6 ઈંચ, લાલપુરમાં 3 ઈંચ, જામજોધપુરમાં દોઢ ઈંચ, તો સૌથી વધારે જોડીયામાં 16 ઇંચ વરસાદ વરસ્યો છે. બીજી બાજુ વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઇ જતાં પાકને નુકસાન થવાથી હવે તો મેઘરાજા ખમૈયા કરે તેમ ખેડૂતો ઇચ્છી રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વિસાવદર અને ગીરગઢડામાં મુશળધાર છ ઈંચ તો મોરબી અને ધોરાજી પંથકમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે માળીયા હાટીના, માંગરોળ, માણાવદર, હળવદ, માળીયા મિંયાણા, તાલાલા, ધ્રાંગધ્રામાં ચાર ઈંચ તો ગોંડલ, જૂનાગઢ, જોડિયા, રાજુલા, ઉના, કોડિનાર, ખંભાળિયા, પોરબંદર, લીંબડીમાં ત્રણ ઈંચ વરસાદથી માર્ગો જળબંબોળ બન્યા હતાં.