ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે. કચ્છમાં મહત્તમ તાપમાન પણ 39 થી 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો 39 થી 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે. એપ્રિલ મહિનામાં રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. રાજ્યમાં 19 એપ્રિલ પછી ગરમી વધી શકે છે. 10 મેની આસપાસ દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે. તેજ પવન સાથે ભારે તોફાન આવવાની પણ શક્યતા છે. તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગે 20 માર્ચથી આકરી ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરી છે.
એપ્રિલ મહિનામાં ગુજરાતના અનેક વિસ્તારોમાં પવન અને ચક્રવાત સાથે કમોસમી વરસાદની શક્યતા છે. એપ્રિલ મહિનામાં હવામાન બદલાઈ શકે છે. 14 એપ્રિલ પછી જોરદાર પવન ફૂંકાઈ શકે છે. 19, 20 અને 21 એપ્રિલે સમુદ્રનું તાપમાન વધી શકે છે. 26મી એપ્રિલે ખૂબ જ ગરમી પડી શકે છે.
શનિવારે સવારનું તાપમાન 21.4 ડિગ્રી અને સાંજનું તાપમાન 37.6 ડિગ્રી હતું. બીજી તરફ રવિવારે તાપમાનમાં વધઘટના કારણે સવારનું તાપમાન સહેજ વધીને 22 ડિગ્રી જ્યારે સાંજનું તાપમાન એક ડિગ્રી ઘટીને 36.5 ડિગ્રી નોંધાયું હતું. સાથે જ રાત્રે ઠંડીનો સામનો કરતા લોકોને દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રવિવારે દિવસ અને રાત્રિના તાપમાનમાં 14 ડિગ્રીનો તફાવત જોવા મળ્યો હતો. હવામાનશાસ્ત્રીઓએ આગાહી કરી છે કે રાજ્યમાં 21 થી 23 માર્ચ દરમિયાન ગરમી વધી શકે છે.