વડોદરામાં 20 જેટલા મગરો શહેરમાં ઘૂસ્યા, લોકોમાં ફફડાટ

શુક્રવાર, 2 ઑગસ્ટ 2019 (16:57 IST)
વડોદરા શહેરવાસીઓની સ્થિતિ હાલ અત્યંત કપરી બની ગઈ છે. બે દિવસ સુધી વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ઓસર્યા નથી ત્યાં રહેણાંક વિસ્તારોમાં મગરના આંટાફેરા શરૂ થતા હવે શહેરીજનોનો ઉપર આભ ફાટ્યું છે અને નીચે મગર મોં ફાડીને ઊભો છે તેવો ઘાટ થયો છે. જાણે કે કોઈ ગાઢ જંગલોમાં નદીઓના વહેણ વચ્ચે જંગલી પ્રાણીઓ વચ્ચે આવી ગયા હોવાનો અહેસાસ શહેરીજનો કરી રહ્યા છે. દેશના વડાપ્રધાન તાજેતરમાં ડિસ્કવરી ચેનલના એક લોકપ્રિય શો મેન વર્સિસ વાઇલ્ડમાં ચમકવાના છે ત્યારે વડોદરાના રહેવાસીઓ પોતાને મેન વર્સિસ મગરની કસોટીમાં ઉતર્યા હોવાનો અનુભવ કરી રહ્યા છે.છેલ્લા 2 દિવસ ના વિશ્વામિત્રી નદીમાં પાણીનો પ્રવાહ વધવાથી વિશ્વામિત્રી નદીમાં રહેતા મગર રહેણાંક વિસ્તારમાં ફરતા જોવા મળી રાહ્યાના કોલ રેસ્ક્યુ ટીમ ને મળી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં મગરના સાત જેટલા કોલ આવી ચૂક્યા છે, રેસ્ક્યૂ કરાયા છે. હજુ દસ જેટલા કોલ પેન્ડિંગ છે, પાણી વધારે હોવાથી ત્યાં સ્વયંસવેકો પણ જઇ શકતા નથી. છેલ્લા સર્વે મુજબ વડોદરા વિશ્વામિત્રીમાં ૧૪ ફૂટ થી નાના બચ્ચા સુધી 230 મગર છે. વેમાલીથી તલસટ સુધી નદીનો ભાગ વડોદરા શહેરમાંથી પસાર થાય છે તેટલા વિસ્તારમાં જ આ મગર છે. જ્યારે અન્ય નાના-મોટા તળાવમાં ત્રીસ જેટલા મગર છે. શુક્રવારે સવારે અકોટા સ્થિર શ્રીનગર સોસાયટીમાંથી એક મગરને રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો. ભારે જહેમત બાદ ટીમ દ્વારા 6.5 ફૂટના મગરને કોથળામાં પૂરી શકાયો હતો.થોડા સમય અગાઉ કલાલી નજીકથી 14.30 ફૂટની લંબાઇ વાળો મગર પકડાયો હતો. તે અત્યાર સુધી સૌથી વધુ લંબાઇ ધરાવતો મગર હતો. પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના રાજ ભાવસારના જણાવ્યા અનુસાર તેની મગરનું આયુષ્ય સરેરાશ 45 વર્ષનું માનવામાં આવે છે. છેલ્લા બે દિવસમાં નવાયાર્ડ, મુંજમહુડા, માજલપૂર, કાશિવિશ્વનાથ મહાદેવ નજીક, ભાયલી વગેરે સ્થળેથી મગરો ઘૂસ્યા હોવાના સંદેશા આવ્યા છે. આ ઉપરાંત વીસ જેટલા સ્થળોએથી સાપને પણ રેસ્કૂ કરવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર