જાન્યુઆરીમાં જ PM મોદીએ ઉદઘાટન કર્યું તે 750 કરોડના ખર્ચે બનેલી SVP હોસ્પિટલની POPની છત તૂટી
શુક્રવાર, 2 ઑગસ્ટ 2019 (15:08 IST)
જાન્યુઆરીમાં જ PM મોદીએ ઉદઘાટન કર્યું તે 750 કરોડના ખર્ચે બનેલી SVP હોસ્પિટલની POPની છત તૂટી રૂ.750 કરોડના ખર્ચે બનેલી એસવીપી હોસ્પિટલની B-2 વોર્ડની POPની છત તૂટી પડી છે. જેને પગલે દર્દીઓને પાંચમાં માળે ખસેડવામાં આવ્યા છે.આ પહેલા 17 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે SVPનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ 18 જાન્યુઆરીથી જાહેર જનતા અને તમામ દર્દીઓ માટે હોસ્પિટલ ખુલ્લી મુકવામાં આવી હતી. આમ હોસ્પિટલના બાંધકામ સામે પણ સવાલ ઉભો થયો છે.ઉદઘાટન સમયે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ હૉસ્પિટલ દેશની સારામાં સારી મેડિકલ સુવિધાઓ ધરાવતી હૉસ્પિટલ બનાવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. સમગ્ર દેશમાં ક્યાંય ન હોય તેવા શ્રેષ્ઠ સાધનો એસવીપી હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. પેપરલેસ હોસ્પિટલ બનાવવામાં આવી છે. જો કે આ તમામ સુવિધાઓ વચ્ચે આજે છત તૂટવાની ઘટના બનતા હોસ્પિટલના બાંધકામમાં રહેલી ક્ષતિઓ પહેલા ચોમાસામાં જ બહાર આવી ગઈ છે.