વાવાઝોડાની સંભાવનાને પગલે તા. 17-18 મે દરમિયાન રાજ્યમાં વેક્સિનેશન સ્થગિત

સોમવાર, 17 મે 2021 (07:26 IST)
તાઉ'તે વાવાઝોડાની સંભાવનાને પગલે સમગ્ર ગુજરાત રાજ્યમાં તા. 17 અને 18 મે, 2021 સોમવાર અને મંગળવાર દરમિયાન કોરોના વેક્સિનેશનની કામગીરી સ્થગિત રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાવાઝોડાની સંભાવનાને પગલે વહીવટી તંત્રની સજ્જતાની સમીક્ષા કરતાં આ નિર્ણયની જાહેરાત કરી હતી. 
 
તેમણે કહ્યું હતું કે, આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ વાવાઝોડાથી ઉભી થનારી સંભવિત કામગીરી માટે સ્ટેન્ડ-ટુ રાખવામાં આવ્યા છે. એટલે આ બે દિવસો દરમિયાન તમામ જૂથમાં વેક્સિનેશનની કામગીરી સ્થગિત કરવામાં આવી છે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણી નાગરિકોને આ બે દિવસો દરમ્યાન પોતાના ઘરથી બહાર નહીં નીકળવા પણ અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સમગ્ર ગુજરાત રાજ્યમાં વાવાઝોડા સાથે અતિવૃષ્ટિની પણ સંભાવના છે. 
 
આવી પરિસ્થિતિમાં તમામ લોકોની સલામતી ખૂબ જરૂરી છે. નાગરિકો પોતપોતાના ઘરમાં રહે, માત્રને માત્ર ફરજ પર હોય એવા લોકો જ ઘરની બહાર નીકળે. બાકીના લોકો ઘરમાં જ રહી અને પોતાની સલામતી જાળવે એ જરૂરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર