ગુજરાતથી માત્ર 541 દૂર છે વાવાઝોડું, દરિયાકાંઠાના આટલા ગામોને સ્થળાંતરિત કરવાની પ્રક્રિયા શરૂ

રવિવાર, 16 મે 2021 (15:11 IST)
અરબી સમુદ્રમાં સર્જાયેલ હવાના હળવા દબાણને પગલે સંભવિત તૌક્તે વાવાઝોડું ગુજરાતથી 541 કિલોમીટર દૂર સમુદ્રમાં આ વાવાઝોડું છે અને તે સતત ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. મુંબઈથી વાવાઝોડાનું અંતર હાલ 323 કિલોમીટર છે અને પ્રતિ કલાકે અંદાજે 13 કિલોમીટર જેટલી ઝડપથી વાવાઝોડું ગુજરાત બાજુ આગળ વધી રહ્યું છે. 
 
હવામાન વિભાગે જણાવ્યું છે કે, આ વાવાઝોડું 18 મે ના રોજ રાજ્યમાં પોરબંદર અને નલિયાના દરિયાકાંઠા વચ્ચેથી પસાર થઇ શકે છે. વધુમાં હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે  સંભવિત વાવાઝોડાની અસરને પહોંચી વળવા ભારતીય વાયુ સેના પણ સજ્જ થઇ છે. વાયુસેનાએ 16 જેટલા એરક્રાફ્ટ અને 18 હેલિકોપ્ટર તૈયાર રાખ્યા છે. વાવાઝોડાની સંભવિત અસરની અગમચેતી માટે રાજ્યના દરિયાઇ વિસ્તારના જિલ્લાઓમાં તંત્ર સાબદુ બન્યું છે. 
 
દરિયામાં ઉંચા મોજા ઉછળવાની તેમજ કરંટ ઉભો થવાની શક્યતાને ધ્યાને લેતાં માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે. તેમજ માછીમારી કરતી બોટોને પરત બોલાવી લેવાના આદેશ અપાયા છે. વડોદરા શહેર નજીક જરોદ ખાતે આવેલ એનડીઆરએફ દ્વારા રાજ્યના વાવાઝાડા સંભવિત જીલ્લાઓમાં 15 ટીમો મોકલાશે. હાલ ચાર ટીમ ગીરસોમનાથ અને મોરબી મોકલવામાં આવી છે.
 
ઓરિસ્સા અને પંજાબથી પણ 15 જેટલી એનડીઆરએફ ની ટીમો જામનગરના એરફોર્સ સ્ટેશને આવી પહોંચી છે, જે સૌરાષ્ટ્રના જુદા-જુદા જીલ્લાઓમાં મોકલવામાં આવશે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે પણ એનડીઆરએફની એક ટીમ આવી પહોંચી છે. 18 મી તારીખે સવારે વાવાઝોડું પોરબંદર અને નલિયાના દરિયાકાંઠે ત્રાટકવાની ભીતી હોવાથી કચ્છના કોસ્ટલ વિસ્તારમાં આવતા 53 ગામોને એલર્ટ કરી દેવાયા છે.
 
જ્યારે જામનગરના 22 ગામોના 23 હજાર લોકોને સ્થળાંતરીત કરવામાં આવશે અને 11 અગિયારાને ખસેડવાની સૂચના આપવામાં આવી છે. હાંસોટના આલિયા બેટ, કંતાળિયાજાળ અને વમલેશ્વરમાંથી સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું છે. આલિયા બેટ ખાતેથી 200થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે સાંતલપુરના નાના રણમાંથી મીઠું પકવતા 350 પરિવારોને સ્થળાંતર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.  
 
રાજુલા અને જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠાના વિસ્તારના 20 ગામોના લોકોનું સ્થળાંતર કરવા તંત્ર તૈયારી કરી રહ્યું છે. તંત્ર દ્વારા જે ગામોમાં સ્થળાંતર ની તૈયારી કરાય છે તેમાં શિયાળબેટ, વારાહસ્વરૂપ, ભાંકોદર, ધારાબંદર, ચાંચબંદર મીતીયાળા, વાંઢ, વઢેરા વિગેરે ગામનો સમાવેશ થાય છે.
 
વાવાઝોડાના પગલે રાજ્યમાં કચ્છના 123, વલસાડના 84, સુરતના 39, ભરૂચના 30 અને ચરોતરના 15 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં કાંઠા વિસ્તારમાં ગામોમાંથી લોકોનું સ્થળાંતર કરવાને લઇને પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 
 
તો દરિયામાં ગયેલી 522 માછીમારી બોટને પરત બોલાવી લેવામાં આવી ગઈ છે. કચ્છમાં NDRF ની 2 ટીમ તેમજ SDRFની એક ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. મોરબીના જિલ્લા ક્લેક્ટરે જે.બી. પટેલે કહ્યું છે કે, મોરબી જિલ્લામાં જે બે એનડીઆરએફની ટીમ ફાળવવામાં આવી છે.
 
પોરબંદર જિલ્લામાં 25 સભ્યોની એનડીઆરએફની બે ટીમ અને એસડીઆરએફની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગે વાવાઝોડાના લીઘે રાજ્યના હવામાનમાં ફેરફાર થતાં દરિયાકાંઠાના જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ હસ્તકના તમામ નાના- મોટા બંદર પર ભયસૂચક સિગ્નલ લગાવાઇ દેવાયા છે.
 
વિજય રૂપાણીએ જણાવ્યું કે, એડવાન્સ લાઈફ સપોર્ટ સાથેની એમ્બ્યુલન્સ અને આઈ.સી.યુ. એમ્બ્યુલન્સ જામનગર, જૂનાગઢ, રાજકોટ અને કચ્છમાં સ્ટેન્ડબાય રહેશે. દરિયાકાંઠાના જિલ્લાઓની કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજન સપોર્ટ અને આઈસીયુના દર્દીઓ સુરક્ષિત રહે અને જરૂર જણાય તો નજીકના જિલ્લાની હોસ્પિટલમાં શિફ્ટ  કરાવની વ્યવસ્થા કરાશે. દરમિયાન એન.ડી.આર.એફ.ની–24 ટીમ ગુજરાતના દરિયાકાંઠાના વિવિધ જિલ્લાઓમાં પહોંચી ગઈ છે. આ બેઠકમાં વિજય રૂપાણીએ દરિયાકિનારાના જિલ્લાઓમાં કરાયેલી આગોતરી વ્યવસ્થાની તલસ્પર્શી માહિતી મેળવી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર