સૌરાષ્ટ્રના દરિયા કિનારે સંભવિત વાવાઝોડા સામે તંત્ર તૈયારી કરી દીધી છે. સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં NDRFની સભ્યોની ટીમ આવી પહોંચી છે. તમામ તૈયારીઓ સાથે વહીવટી તંત્ર હાલ સજ્જ જોવા મળી રહ્યુ છે. તૌકતે વાવાઝોડાની સંભવિત અસર હાલ નવસારી, વલસાડ અને ડાંગ સહિતના જિલ્લામાં જોવા મળી રહી છે. ક્યાંક વરસાદી માહોલ તો ક્યાં દરિયામાં કરંટ આવ્યો હતો. ઉંચા ઉંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા તો ઘણી જગ્યાએ વરસાદ ખાબક્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વાવાઝોડાની અસર વાવાઝોડાની અસર પગલે ગુજરાતના ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદ શરૂ થઇ ગયો છે. ડાંગના સાપુતારા, નવસારીના ખેરગામ અને વલસાડના ધરમપુરમાં વરસાદ પડવાનું શરૂ થઇ ગયું છે. વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. વરસાદ ખાબકતાં ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી છે.
અત્રે ઉલ્લેખનીય છે શનિવારે અમરેલી જિલ્લામાં તો આજે જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. જિલ્લાના ધારી ગ્રામ્ય વિસ્તારમા વરસાદ શરૂ થતા ધરતી પુત્રોની મુશ્કેલી વધી શકે છે ધારીના સરસીયા,ગોવિદપુર, ફાસરીયા,સુખપુર સહિત ગીર કાંઠાના ગામડામા ધોધમાર વરસાદી ઝાપટું વરસતાધરતી પુત્રો ચિંતામા મુકાયા છે જ્યારે ખેડૂતોના પાક સાથે આ વિસ્તારોમાં કેરી નુ પણ વાવેતર હોવાને કારણે વધુ ચિંતાના વાદળો બંધાયા છે.
ઉલ્લેખનીય છે કે અત્યારે ખેતરોમાં ઉનાળું પાક ઉભો છે. ખેડૂતોએ તલ, અડદ, મગ, મગફળી સહિતના પાકોનું વાવેતર કર્યુ છે. આ પાક પણ અત્યારે ફાલ પર આવી ગયા છે. તેવામાં જો વરસાદ આવશે તો આ પાકોને વ્યાપક નુકસાન થશે અને આ પાક સંપૂર્ણ નિષ્ફળ જશે તેવી સંભાવના રહેલી છે. જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. ત્યારે વાવાઝોડા ડરના પગલે ખેડૂતોએ પાકની લણણી કરવાની શરુઆત કરી દીધી છે.
તો આ તરફ હજું કેરીનો પાક પણ ઉભો છે. આ વર્ષે અત્યાર સુધીમાં ચારથી પાંચ વખત માવઠું આવી ગયું છે, જમાં કેરીના પાકનો કચ્ચરઘાણ વળી ગયો છે. ત્યારે હજુ જે થોડી ઘણી કેરીઓ બચી છે તેના પર હવે વરસાદનું સંકટ તોળાઇ રહ્યું છે. જેથી કેરીના પાકની પણ ખેડૂતોએ લણણી શરુ કરી દીધી છે.