ગુજરાતમાં મમતા દિવસના બહાના હેઠળ સપ્તાહમાં 5 દિવસ જ રસીકરણ, બુધવાર-રવિવાર રજા

ગુરુવાર, 15 જુલાઈ 2021 (09:21 IST)
રાજ્ય સરકારે મોટા ઉપાડે ચાલુ કરેલા રસીકરણ મહાઅભિયાનની ગતિ હવે ધીમી પડી છે. એક તરફ ત્રીજી લહેર અગાઉ વધુમાં વધુ વસતીને રસી આપવાની જાહેરાતો થાય છે અને બીજી તરફ ગુજરાતમાં અઠવાડિયામાં બે દિવસ રસીકરણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. દર બુધવારે મમતા દિવસ, રવિવારે આરોગ્યકર્મીઓને આરામનું બહાનું કાઢી સરકાર રસીકરણ મહાઅભિયાનથી હાથ ખંખેરી રહી છે.

રાજ્યમાં અત્યાર સુધી 2.85 કરોડનું રસીકરણ થયું છે જેમાં 2.19 કરોડને પહેલો 65 લાખને બંને ડોઝ અપાયા છે. 18 વર્ષથી વધુની રસી માટે માન્ય 4.93 કરોડ વસતીમાંથી 44%ને પહેલો અને 13%ને બંને ડોઝ અપાયા છે. 18 વર્ષ ઉપરના 2.74 કરોડને પહેલો અને 4.8 કરોડ વસતીને બીજો ડોઝ બાકી છે. આ લોકોના રસી આપવામાં હજુ સરેરાશ 8 મહિનાનો સમય લાગે એમ છે.રાજ્યમાં 24 કલાકમાં 41 નવા કેસ નોંધાયા છે. મંગળવારે 31 કેસ નોંધાયા હતા. 23 દિવસ બાદ રાજ્યમાં કોરોનાના કેસ વધ્યા છે. અગાઉ 22 જૂને 135 કેસ હતા. જે બીજા દિવસે એટલે કે 23 જૂને વધીને 138 થયા હતા. મંગળવારે રાજ્યના 7 કોર્પોરેશન વિસ્તાર અને 11 જિલ્લામાં જ કોરોનાના નવા કેસ નોધાયા છે. બીજા વેવમાં રાજ્યમાં સતત ચોથીવાર 50થી ઓછા કેસ નોંધાયા છે. અગાઉ રાજ્યમાં 2020ની 12 એપ્રિલે 48 કેસ નોંધાયા હતા. દરમિયાન 24 કલાકમાં 71 દર્દીએ કોરોનાને માત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 98.69 ટકા થયો છે.રાજ્યમાં અત્યાર સુધીમાં 8,24,351ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10,074 થયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર