ગુજરાતમાં 26 અને 27 એપ્રિલે માવઠાની આગાહી, દેશના આઠ રાજ્યોમાં કરા સાથે વરસાદ થઈ શકે

સોમવાર, 24 એપ્રિલ 2023 (14:57 IST)
- આગામી 5 દિવસ દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં હળવો વરસાદ થવાની સંભાવના
 
- IMD એ 26 થી 27 એપ્રિલ દરમિયાન મરાઠવાડામાં વિવિધ સ્થળોએ કરા પડવાની આગાહી કરી છે
 
 
ગુજરાતમાં ભર ઉનાળામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 26  અને 27 એપ્રિલે માવઠુ થવાની શક્યતા છે. ઉત્તર-પશ્ચિમ તરફથી તરફથી ફૂંકાઈ રહેલા પવનથી રાજ્યમાં હીટવેવ વધવાની પણ શક્યતાઓ છે. આગામી બે દિવસના હિટવેવ બાદ  26 અને 27 એપ્રિલે રાજ્યમાં કેટલાક જિલ્લામાં માવઠુ થઈ શકે છે. આગામી 3થી 4 દિવસમાં તાપમાનમાં 3 ડિગ્રી સુધી વધારો થવાની પણ શક્યતા છે. બીજી તરફ દેશના આઠ રાજ્યોમાં કરા સાથે કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
 
જાંબુના ઓછા ભાવ મળતાં ખેડૂતો પણ પરેશાન
મોટાભાગના શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી શકે છે. હવામાન વિભાગ પ્રમાણે આગામી 26 અને 27 એપ્રિલે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠુ થવાની શક્યતાઓ છે. માવઠાને કારણે જાંબુ અને કેરી સહિતના પાકને નુકસાન થયું છે. જાંબુની ગુણવત્તા બગડતાં જ તેના ભાવમાં પણ ભારે ઘટાડો થયો છે. જાંબુના ઓછા ભાવ મળતાં ખેડૂતો પણ પરેશાન થયાં છે. ઉનાળુ પાકમાં પણ ખેડૂતોને નુકશાન ભોગાવવાનો વારો આવ્યો છે. 
 
દેશનાં કેટલાક રાજ્યોમાં વરસાદની આગાહી
આગામી દિવસોમાં પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં ગાજવીજ, વીજળી અને વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે આગામી 4 દિવસ દરમિયાન આંધ્રપ્રદેશ, તેલંગાણા, આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહેમાં વરસાદની સંભાવના છે. 24 એપ્રિલે કેરળ અને માહેમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આગામી 5 દિવસ દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં હળવો વરસાદ થવાની સંભાવના છે.
 
દેશમાં હિટવેવની કોઈ શક્યતાઓ નહીં
IMD અનુસાર અરુણાચલ પ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહે સિવાય દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્ય કરતાં ઓછું રહ્યું હતું. આ સ્થળોએ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2-3 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. જો કે છેલ્લા એક દિવસમાં દેશમાં ક્યાંય પણ હીટ વેવની સ્થિતિ જોવા મળી નથી. IMDએ કહ્યું કે, આગામી 5 દિવસ દરમિયાન ભારતના મોટાભાગના વિસ્તારોમાં હીટ વેવની કોઈ શક્યતા નથી. છેલ્લા કેટલાક દિવસોથી દેશના અનેક ભાગોમાં આંધી-તોફાન અને વરસાદના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત મળી છે.
 
8 રાજ્યોમાં કરા પડવાની આગાહી 
IMD એ  25 એપ્રિલ સુધી ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા સ્થળોએ કરા પડવાની આગાહી કરી છે. 24 એપ્રિલે ઓડિશા, બિહાર અને છત્તીસગઢમાં ઘણી જગ્યાએ કરા પડવાની સંભાવના છે. જ્યારે 24 અને 25 એપ્રિલ દરમિયાન વિદર્ભમાં કેટલીક જગ્યાએ કરા પડવાની શક્યતા છે. દક્ષિણ ભારતમાં 24 એપ્રિલે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ અને તેલંગાણામાં ઘણા સ્થળોએ કરા પડવાની સંભાવના છે. IMD એ 26 થી 27 એપ્રિલ દરમિયાન મરાઠવાડામાં વિવિધ સ્થળોએ કરા પડવાની આગાહી કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર