પોરબંદર-સોમનાથ હાઇવે પર કાર પલટી જતાં એક જ પરિવારના ત્રણ યુવાનનાં મોત

શુક્રવાર, 17 સપ્ટેમ્બર 2021 (16:25 IST)
પોરબંદર-સોમનાથ હાઇવે ઉપર નરવાઇ માતાજીના મંદિર નજીક આજે શુક્રવારે વહેલી સવારે ગમખ્‍વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર ત્રણ યુવાનના કમકમાટીભર્યાં મૃત્‍યુ થયાં હતાં, જ્યારે અન્ય બે શખસને ઇજાઓ પહોંચી હોવાથી સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પાંચ જેટલા યુવાનો ખંભાળિયાના ખજૂરિયા ગામથી માંગરોળ પંથકના લોએજ ગામ તરફ જઇ રહ્યા હતા એ દરમિયાન અકસ્માત સર્જાયો હતો.

પ્રાપ્‍ત વિગતો અનુસાર, પોરબંદર-સોમનાથ હાઇવે ઉપર આજે શુક્રવારે વહેલી સવારે એક કાર ડિવાઇડર સાથે ટકરાતાં ગમખ્‍વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ખંભાળિયા તાલુકાના ખજૂરિયા ગામે રહેતા પાંચ યુવાન માંગરોળ પંથકના લોએજ ગામ તરફ જઇ રહ્યા હતા એ સમયે પોરબંદર નજીક નરવાઇ મંદિર અને ચીકાસા વચ્ચેના હાઇવે પર એકાએક કાર પલટી મારી ડિવાઇડર સાથે ટકરાઇ હતી. આ અકસ્‍માતમાં કિશન ચંદ્રાવાડિયા, મયૂર ચંદ્રાવાડિયા અને ઘેલુભાઇ ચંદ્રાવાડિયા નામના ત્રણ યુવાનનાં ઘટનાસ્થળે જ મૃત્‍યુ નીપજ્યા હતાં, જ્યારે કારમાં સવાર અન્‍ય રાજુભાઇ ચંદ્રાવાડિયા અને વજશીભાઇ નંદાણિયાને ઇજા પહોંચી હતી.ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં રાજુ ચંદ્રાવાડિયા નામના યુવાનની સ્થિતિ ગંભીર જણાતાં તેને વધુ સારવાર અર્થે જામનગર રિફર કરવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં નરવાઇ માતાજી મંદિર નજીકના ધંધાર્થીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ ઇજાગ્રસ્તોની મદદ કરી હતી.ખંભાળિયાના ખજૂરિયા ગામે રહેતો મયૂર ચંદ્રાવાડિયા નામનો યુવાન શીલ નજીક આવેલા લોએજ ગામની કોલેજમાં અભ્યાસ કરતો હોવાથી તેનું સર્ટિફિકેટ લેવા માટે આ પાંચેય યુવાન આજે વહેલી સવારે ચારેક વાગ્યે પોતાના ઘરેથી લોએજ જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન રસ્‍તામાં અકસ્માતે કાર પલટી જતાં ત્રણ યુવાન કાળનો કોળિયો બની ગયા હતાં. મૃતકો એક જ પરિવારના હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અકસ્‍માતની જાણ થતાં ખજૂરિયા ગામે રહેતાં મૃતકોનાં પરિવારજનો પોરબંદર આવવા નીકળી ગયાં છે. ત્રણ યુવાન પુત્રોના એેકસાથે અકાળે થયેલાં મૃત્‍યુને પગલે ચંદ્રાવાડિયા પરિવાર પર આભ તૂટી પડતાં પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા છે તેમજ નાનાએવા ખજૂરિયા ગામમાં શોકનો માહોલ છવાયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર