બોલો! અમદાવાદમાં કારનો કાચ તોડીને ચોર લેપટોપની બેગ લઈ ગયો, લેપટોપ અને ચાર્જર ગાડીમાંથી મળ્યા

શનિવાર, 30 સપ્ટેમ્બર 2023 (16:13 IST)
અમદાવાદમાં ઘરફોડ ચોરી અને લૂંટના બનાવો બેફામ પણે વધી રહ્યાં છે. કારની અંદર પડેલી વસ્તુઓ કાચ તોડીને લૂંટી લેવાની ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવતી રહે છે. ત્યારે ભાવનગરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નોકરી માટેનું ઈન્ટરવ્યૂ આપવા માટે આવેલા એક યુવકની ગાડીનો કાચ તોડીને ચોરોએ લેપટોપ નહીં પણ લેપટોપની બેગ ચોરી લીધી હતી.

આ બેગમાં યુવકના ઓળખના પુરાવા અને શૈક્ષણિક લાયકાતના અસલ ડોક્યુમેન્ટ હતાં. આ યુવકે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે શેમલ શાહ ભાવનગરમાં રહે છે અને હાલ નડિયાદ ખાતેની મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટર તરીકે નોકરી કરે છે. તે ગત 25 સપ્ટેમ્બરના રોજ ભાવનગરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ઈન્ટરવ્યૂ આપવા માટે આવ્યા હતાં. રાત્રિના સમયે તેના મિત્રની કાર લઈને સોલા સાયન્સ સિટી રોડ પર એક રેસ્ટોરન્ટમાં મિત્રો સાથે જમવા બેઠા હતાં. આ દરમિયાન કારમાં તેમનું લેપટોપ હતું. જમીને બધા કારમા બેસવા જતાં હતાં ત્યારે કારનો પાછળની બારીનો કાચ તૂટેલો હતો અને લેપટોપ તથા ચાર્જર ત્યાં પડેલું હતું પણ લેપટોપની બેગ નહોતી. આ બેગમાં પાસપોર્ટ, પાનકાર્ડ, આધારકાર્ડ, જન્મનો દાખલો, શૈક્ષણિક લાયકાતની અસલ ડિગ્રીઓ સહિતના કાગળો હતાં. જે બેગ લઈને અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ તેમણે સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પોલીસે તેમની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર