રાજ્યમાં હવે ઉનાળાની ગરમી દઝાડશે, માર્ચમાં અમદાવાદ સહિત રાજ્યમાં 38થી 40 ડિગ્રી સુધી પારો પહોંચશે

શનિવાર, 20 ફેબ્રુઆરી 2021 (10:57 IST)
રાજ્યમાં હાલમાં ઠંડી અને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવે ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં લોકોને ગરમીનો પ્રારંભ થશે. આગામી માર્ચ મહિનામાં અમદાવાદ સહિત રાજ્યમાં 38થી 40 ડિગ્રી સુધી પારો પહોંચશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાની શક્યતાઓ તેમજ કમોસમી વરસાદની પણ શક્યતાઓ છે. હિમવર્ષા અને બરફના લીધે જળશ્રોતનો પ્રવાહ પણ વધતો જશે. પહાડી પ્રદેશોની નદીઓમાં જળશ્રોત વધશે. તા.21 અને 22 ફેબ્રુઆરીના રોજ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. જેથી વધતી ઓછી અસર 25 ફેબ્રુઆરી સુધી રહેશે. 
 
રાજ્યમાં 23થી 26 ફેબ્રુઆરીનાં હવામાનમાં વિપરીતતા જણાશે
 
રાજ્યમાં 23થી 26 ફેબ્રુઆરીનાં હવામાનમાં વિપરીતતા જણાશે. તા.27 ફેબ્રુઆરીથી માર્ચની શરૂઆતમાં પણ પશ્ચિમ વિક્ષેપની અસરો ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવશે. બરફવર્ષાના લીધે રાજ્યમાં સવારના સમયે ઠંડા પવનો પણ ફૂંકાઈ શકે છે. 21 ફેબ્રુઆરીથી દિવસનું તાપમાન વધશે, જે 25 ફેબ્રુઆરીથી મહત્તમ તાપમાનમાં ઘણો વધારો થવાની શક્યતાઓ છે. રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીથી પણ વધુ જવાની શક્યતાઓ હોવાનું હવામાન નિષ્ણાંતો તરફથી જાણવા મળ્યું હતું.
 
આગામી 4 માર્ચથી મહત્તમ તાપમાનમાં વધારો થશે
 
આગામી 4 માર્ચથી મહત્તમ તાપમાનમાં વધારો થશે અને વિદર્ભના ભાગોમાં 40 ડિગ્રી સુધી પારો જશે. સુરત, પંચમહાલ, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારમાં મહત્તમ તાપમાન ઉચકાશે. અમદાવાદના ભાગોમાં પણ મહત્તમ તાપમાનનો પારો 38 ડિગ્રીને પાર જવાની શક્યતાઓ છે. વારંવાર પશ્ચિમી વિક્ષેપની શૃખંલાથી રાજ્યના હવામાનમાં પણ ઉતાર-ચડાવ, વાદળવાયું અને હવામાન કથળી જવાની પણ શક્યતાઓ રહેશે. તા.7 માર્ચથી 9 માર્ચ સુધી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં હવામાન પલટાશે અને વાદળો જણાશે. માર્ચ માસમાં પણ દેશના ગણા ભાગોમાં વાદળવાયુ, કમોસમી વરસાદ અને ગાજવીજ સાથે કરા પડવાની શક્યતા છે.
 
આ વખતે ગરમી વધારે દઝાડશે તેવી શક્યતાઓ
 
ઉત્તરાણય અને વસંત પંચમી બાદ સામાન્ય રીતે ઠંડીનું પ્રમાણ ઘટવાનું શરુ થવાની સાથે ઉનાળો જામવા લાગે છે. આ વર્ષે પણ માર્ચ આવતા-આવતા ગરમીનું પ્રમાણ વધવાનું શરુ થઈ ગયું છે. પાછલા વર્ષે લોકડાઉનના કારણે વાહન અને ફેક્ટરી સહિતના પ્રદૂષણ ફેલાવતી જગ્યાઓ બંધ હોવાના કારણે ગરમીનું પ્રમાણ પ્રમાણમાં ઓછું રહ્યું હતું. પરંતુ આ વર્ષે કોરોનાના લોકડાઉન પછી બધું રાબેતા મુજબ ધીમે-ધીમે શરુ થઈ ગયું છે ત્યારે આ વખતે ગરમી વધારે દઝાડશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
ભર ઉનાળામાં બાળકો કઈ રીતે સ્કૂલે જશે તેને લઈએ વાલીઓ ચિંતિત
ગરમીનું પ્રમાણ વધવાનું શરુ થઈ ગયું છે ત્યારે બીજી તરફ વાલીઓ ચિંતિત છે કારણ કે આ વર્ષે શાળાઓમાં કોરોનાના કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે સ્કૂલોમાં વેકેશન ઘટાડવા અંગે વિચારણા ચાલી રહી છે. તો બીજી તરફ ભર ઉનાળામાં બાળકો કઈ રીતે સ્કૂલે જશે તેને લઈએ વાલીઓ ચિંતિત થઈ રહ્યા છે. હવે આગામી સમયમાં એ જોવાનું રહેશે કે સરકાર ગરમીને ધ્યાનમાં રાખીને બાળકોના શિક્ષણ અને વેકેશન અંગે શું રસ્તો કાઢે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર