ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના ઉમેદવારના પુત્ર ઉપર હુમલો કરતાં સામસામે છૂટાહાથની મારામારી

શુક્રવાર, 19 ફેબ્રુઆરી 2021 (16:39 IST)
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. આજે શહેરના વિવિધ વિસ્તારોમાં રેલી નીકળી હતી, જેમાં વોર્ડ નં- 16માં કોંગ્રેસ અને ભાજપની રેલી આમને સામને આવી જતા ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના ઉમેદવારના પુત્ર ઉપર હુમલો કરતાં સામસામે છૂટાહાથની મારામારી અને લાકડીઓથી હુમલો થયો હતો.
 
વડોદરા મહાનગરપાલિકાના મિશન-76ની સફળ બનાવવાના ભાગરૂપે આજે ચૂંટણી પ્રચારના પડઘમ સાંજે પાંચ વાગ્યાથી શાંત પડી જશે, તે અગાઉ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષો દ્વારા રેલીઓ કાઢવામાં આવી હતી, જેને કારણે ઠેર-ઠેર ચક્કાજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. વડોદરા શહેરના વોર્ડ નં-16માં કોંગ્રેસના અને ભાજપના ઉમેદવારોએ પ્રચાર રેલી કાઢી હતી, તે વાઘોડિયા રોડ, ડભોઇ રોડ ઉપર સામસામે આવી જતા કાર્યકરો વચ્ચે ચકમક ઝરી હતી, તે દરમિયાન ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસના ઉમેદવારના પુત્ર પર હુમલો કર્યો હતો, જેથી ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે લાઠી યુદ્ધ તથા છુટ્ટાહાથની મારામારીના દ્રશ્યો સર્જાયા હતા.
 
ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ચાલતી મારામારી સમય હાજર રહેલી પોલીસે તેઓને છુટ્ટા પાડવાનો પણ પ્રયત્ન કર્યો હતો, પરંતુ, પોલીસને પણ તેઓ ગાઠતા નહોતા, જેથી રાજકીય મોરચે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે મામલો ગરમાયો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર