કોંગ્રેસના ધારાસભ્યએ સભા સંબોધતા કહ્યું- આમ આદમી પાર્ટીને મત આપવા કરતા ભાજપને આપજો

સોમવાર, 7 નવેમ્બર 2022 (12:30 IST)
ગુજરાતમાં ચૂંટણી તારીખો જાહેર થઈ ગયા પછી રાજકીય ઘમાસાણ મચી રહ્યો છે. ઠેક ઠેકાણે સભાઓ અને રેલીઓ થવા લાગી છે. દલબદલ તો નિવેદનોની તદાપીડ બોલી રહી છે. આક્ષેપો અને પ્રતિ આક્ષેપ લાગી રહ્યા છે. એવામાં કોંગ્રેસના ધારાસભ્યએ ભરી સભામાં કહીં દીધું કે આમ આદમી પાર્ટીને મત આપવા કરતા ભાજપને મત આપજો. ચૂંટણી વખતે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાના નિવેદન વાળો વીડિયો સોશ્યલ મીડિયામાં ધડાધડ વાઈરલ થવા લાગ્યો છે.

અહેવાલો મુજબ રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના પીઢ નેતા શક્તિસિંહ ગોહિલ ધોરાજી - ઉપલેટા - જેતપુર - ગોંડલના પ્રવાસે હતા. આ દરમિયાન એક સભામાં તેમની હાજરીમાં જ ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા લોકોને સંબોધી રહ્યા છે. તેઓ કહીં રહ્યા છે કે, ધોરાજી - ઉપલેટા સીટ પર ભાજપ કોંગ્રેસને હરાવી શકે તેમ નથી. તેથી આમ આદમી પાર્ટી કોંગ્રેસના મત કાપવા આવી છે. તેમણે સીતાહરણનો પ્રસંગ ટાંકતા કહ્યું કે, લક્ષ્મણ રેખા વળોટી સીતામાતાનું અપહરણ રાવણ કરી શકે તેમ ન હોવાથી તેણે બ્રાહ્મણનું રૂપ લીધું. એવી જ રીતે ભાજપની બી ટિમ બની 'આપ' રૂપ બદલી ગરીબો અને મફત વીજળી આપવાની વાતો કરી કોંગ્રેસના મત તોડવા આવ્યું છે. જેથી સૌએ સચેત રહેવાનું છે. ધારાસભ્ય વસોયાના શબ્દો એવા હતા કે, "કોઈ આમ આદમી પાર્ટીને મત દેવાની વાત કરે તો હું આ મંચ પરથી કહીશ કે, આમ આદમી પાર્ટીને મત દેવા કરતા ભાજપને મત દેજો"વસોયાના આ શબ્દોથી હાજર સૌ કોંગ્રેસના આગેવાનો ચોંકી ગયા હતા. કાર્યકરો પણ સ્તબ્ધ બન્યા હતા.

અત્રે નોંધવું રહ્યું કે, પાટીદાર અનામત વખતે લલિત વસોયા પાસના કન્વીનર હતા. ગત વિધાનસભાની ચૂંટણીમાં હાર્દિક પટેલ સહિત લલિત વસોયા અન્ય પાસ આગેવાનો કોંગ્રેસમાં જોડાયા હતા. લલિત વસોયા હાર્દિક પટેલના સૌથી નજીકના વ્યક્તિ ગણાય છે. તાજેતરમાં જ હાર્દિક પટેલ ભાજપમાં જોડાતા કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા પણ પક્ષ બદલે તેવી ચર્ચા થવા લાગી હતી. જોકે લલિત વસોયાએ અગાઉ સ્પષ્ટતા પણ કરેલી કે, તેઓ કોંગ્રેસમાં જ છે અને રહેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર