મુખ્યમંત્રીએ સાળંગપુરના શ્રી કષ્ટભંજનદેવ મંદિર ખાતે દર્શન- પૂર્જા-અર્ચના કરી

શનિવાર, 23 ઑક્ટોબર 2021 (18:57 IST)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર કષ્ટભંજન મંદિરના 173માં પાટોત્સવ પ્રંસગે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજાની સુખાકારી એ જ અમારી પ્રાથમિકતા છે. મુખ્યમંત્રીએ સંતો-મહંતોના આશિર્વાદ પ્રાપ્ત કરતાં કહ્યું કે, અમે સતત શીખવાનો અભિગમ ધરાવીએ છીએ અને મંદિર,ખેતર કે ગામ –ગમે ત્યાં જઈએ દરેક પાસે સારું શીખીએ છીએ અને તેનો અમલ કરીએ છીએ. 
 
મુખ્યમંત્રીએ ઉપસ્થિત ખેડૂતો અને યુવાનોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કરતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આગ્રહ છે કે યુવાનો-  ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે, જેથી દેશમાં નાગરિકોને રસાયણમુક્ત ખોરાક પ્રાપ્ત થઈ શકે. તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટીના પગલે જ આપણે ક્લાયમેટ ચેન્જ સંદર્ભે આગોતરું આયોજન કરી શક્યા છીએ.
 
આ અવસરે મુખ્યમંત્રીએ રોજગાર અંગેની રાજ્ય સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરતાં કહ્યું કે, દરેકને રોજગાર મળે તે દિશામાં રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. તેમણે યુવાનોને માત્ર સરકારી નોકરીઓ તરફ લક્ષ્ય કેન્દ્રીત ન કરી અન્ય ક્ષેત્રોમાં પણ કારકિર્દી ઘડવાનો અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ કષ્ટભંજનદેવને ગુજરાતના માથે કોઈ સંકટ ન આવે તે માટે પણ પ્રાર્થના કરી હતી. 
 
મુખ્યમંત્રીએ સાળંગપુર મંદિર ખાતે કષ્ટભંજન દેવના દર્શન કર્યા હતા અને યજ્ઞશાળામાં મારુતિ યાગ પણ સહભાગી થયા હતા તેમજ આરતી, પૂજા-અર્ચના વિધિ કરી હતી.  મુખ્યમંત્રીએ રામચરિત માનસ કથાનું શ્રવણ પણ કર્યું હતું.
 
આ અવસરે રાજ્યકક્ષાના શહેરી વિકાસમંત્રી વિનુભાઈ મોરડિયા, ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર, ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર