બેકારીથી કંટાળી યુવકે આપધાત કર્યો, તેના આઘાતમાં મિત્રએ પણ જીવનલીલા સંકેલી
ગુરુવાર, 6 ફેબ્રુઆરી 2020 (13:33 IST)
દેશમાં બેરોજગારીની સમસ્યા વિકરાળ બની રહી છે ત્યારે કચ્છમાં મુન્દ્રા તાલુકાના ક્ષત્રિય યુવાને બેકારીથી કંટાળીને આપઘાત કરી લીધો છે. તેના આધાતમાં તેના સમાજના જ યુવા મિત્રએ પણ પોતાના ઘરમાં પંખા પર પ્લાસ્ટીકની રસ્સી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. આ કરૂણાંતિકાથી ભારે શોકનું મોજું ફેલાયું હતું. મુન્દ્રા મરીન પોલીસે આપેલી વિગતો પ્રમાણે પ્રથમ બનાવ જાહેર કરનાર મૃતકના મોટા ભાઈ કુલદીપસિંહે પોલીસને જણાવ્યું હતું કે, મંગળવારે મધ્ય રાત્રીએ 3 વાગ્યાના સમયગાળા દરમ્યાન જાડેજા મહાવીરસિંહ હોશિયારસિંહએ અગમ્ય કારણોસર પોતાના ઘરે લોખંડના એંગલમાં સાડી બાંધી ગળે ટૂંપો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. સાથે જ તેના શોકમાં તેના બાળપણના મિત્ર જયદીપસિંહ ભરતસિંહ જાડેજાએ પણ બપોરના ભાગમાં ગળે ટૂંપો ખાઈ આત્મઘાતી પગલું ભર્યા હોવાના સમાચાર સાંપડતા ક્ષત્રિય આગેવાનો તેને લઇ મુન્દ્રા સ્થિત સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઘસી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત ઘોષિત કરતા તેના પરીવારજનો હીબકે ચડ્યા હતા.આમ એકજ દિવસમાં બે ક્ષત્રિય યુવાનોની આત્મહત્યાએ ભદ્રેશ્વર સહીત સમગ્ર તાલુકાને શોકમગ્ન કર્યા હતા. ઘટનાને પગલે મુન્દ્રા મરીન પોલીસ મથકે અકસ્માતનો ગુનો દર્જ કરી બનાવ સંબધિત તપાસ હાથ ધરી છે.મુન્દ્રા મરીનના તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું કે, મહાવીરસિંહએ આર્થિક સંકળામણને કારણે આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જ્યારે તેના મિત્ર જયદિપસિંહએ વોટસ્એપ પર મેસેજ કર્યા બાદ મિત્રના મોત પાછળ તેણે પણ આપઘાત કરી લીધો છે. જોકે જયદિપસિંહ એ કયા કારણોસર આત્મહત્યા કરી લીધી તે બાબતે હાલ કોઇ કારણ જાણવા મળ્યું નથી બન્ને યુવાનોના આપઘાત પાછળના કારણો જાણવા પોલીસ તપાસ ચાલુ છે. મિત્ર કુલદીપસિંહ પાછળ જીવનલીલા સંકેલનાર જયદીપસિંહે આત્મઘાતી પગલું ભર્યા અગાઉ વોટ્સએપ પર મેસેજ કર્યો હતો જેમાં તું પહોંચ હું તારી પાછળ આવું છું નો ઉલ્લેખ કરતાં બંન્ને એ ભરેલા આત્મઘાતી પગલાં પાછળ સંલગ્ન કારણો હોવાનું સપાટીએ તરી આવ્યું છે.