નવી સ્થપાયેલા આ એસોસિએશનનો અત્યંત મહત્વનો ઉદ્દેશ વીમા કંપનીઓ અને થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રટર સામે અવાજ ઉઠાવવાનો છે. વીમાં કંપનીઓ હોસ્પિટલોને જે દર ઓફર કરે છે તે ખૂબ જ નીચા છે. આ કારણે દર્દીઓને ગુણવત્તાયુક્ત સર્વિસ પૂરી પાડવાનુ મુશ્કેલ બની જાય છે. વધુમાં, ઘણા વર્ષથી દરમાં સુધારો પણ કરવામાં આવ્યો નથી. સમાન પ્રકારે એમ્પેનલીંગ હૉસ્પિટલો અંગે કોઈ સ્ટાન્ડર્ડ માપદંડ નથી. આ એસોસિએશન જનરલ ઈન્સ્યરન્સ પબ્લિક સેકટર એસોસિએશન (GIPSA) ના પ્રિફર્ડ પ્રોવાઈડર નેટવર્ક (PPN) નો પણ વિરોધ કરે છે અને તેને અવાસ્તવિક ગણાવે છે.
AHNA સરકારને એવી પણ રજૂઆત કરશે કે નવાં લાયસન્સ ઈસ્યુ કરવા માટે તથા લાયસન્સના રિન્યુઅલ માટે સિંગલ વીન્ડોની સગવડ પૂરી પાડે. હૉસ્પિટલો સામે હિંસાની વધતી જતી ઘટનાઓ બાબતે એસોસિએશન પોતાનાં હિતોની સુરક્ષા માટે આવશ્યક પગલાં લેવાની હિમાયત કરશે. તે તબીબી ઉપકરણો, કન્ઝયુમેબલ્સ અને ફાર્મા પ્રોડકટસની સંગઠીત ખરીદી અને આફટર સેલ્સ સર્વિસ માટે સભ્યોને સહાય કરશે. આ ઉપરાંત યોગ્ય સર્વિસ પૂરી પાડવામાં નિષ્ફળ જતા ઈક્વિપમેન્ટ ઉત્પાદકો સામે ફરિયાદ નોંધાવવા માટે કોમન પ્લેટફોર્મ પૂરૂ પાડશે.
AHNAના અન્ય ઉદ્દેશોમાં હૉસ્પિટલો અને નર્સીંગ હોમને વિવિધ સરકારી નીતિઓ અનુસાર નાણાંકિય સહાય તથા અન્ય સુવિધાઓ પૂરી પાડવા માટે સરકાર સમક્ષ વાત મુકશે. આ ઉપરાંત એસોસિએશન સમાન હિત ધરાવતી નીતિઓ ઘડી કાઢવાની કામગીરી પણ કરશે. દા.ત. કેટલાંક એન્ટીબાયોટિક્સના ઉપયોગ ઉપર નિયંત્રણ માટે એન્ટીબાયોટિક પોલિસી તથા રિઝર્વ એન્ટીબાયોટિકસની યાદી તૈયાર કરવી વગેરે બાબતોનો સમાવેશ થાય છે.