ધો. 10-12ની બોર્ડની પરીક્ષાની તારીખમાં થયો ફેરફાર, હવે 14ને બદલે 28 માર્ચથી શરૂ થશે બોર્ડની એક્ઝામ

બુધવાર, 22 ડિસેમ્બર 2021 (18:37 IST)
રાજકીય મેળાવડા, લગ્નની સીઝન વગેરેના કારણે દિવાળી બાદથી કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો સામે આવી રહ્યો છે.. ગુજરાતની સ્કૂલોમાં પણ કોરોનાના 33થી વધુ કેસ અત્યાર સુધીમાં આવી ચૂક્યા છે, એવામાં હવે આ વધતા કેસોની અસર બોર્ડ તથા ધો.9થી 11ની પરીક્ષા પર પડી છે. સરકાર દ્વારા ધો. 10 તથા 12 બોર્ડ અને ધો. 9થી 11ની વાર્ષિક પરીક્ષા બે અઠવાડિયા સુધી પાછળ લઈ જવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે હવે ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા 14ને બદલે 28 માર્ચથી શરૂ થશે. સાથે જ ઉનાળું વેકેશન પણ પાછું ખસેડવામાં આવ્યું છે.
 
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે જાહેર કર્યું હતું કે રાજ્યની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ-9 થી12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના હિતમાં શૈક્ષણિક વર્ષ-2021-22 માં હવે પછી લેવાનાર ધોરણ-9 થી 12ની બીજી પરીક્ષા પ્રિલીમ પરીક્ષા, ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા, પ્રાયોગિક પરીક્ષા તેમજ ધોરણ-9 અને11 ની વાર્ષિક પરીક્ષાની તારીખો લંબાવવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે.
 
 
શૈક્ષણિક વર્ષ-2021-22માં કોવિડ-19 ની પરિસ્થિતિમાં સરકાર દ્વારા કરવામાં આવેલ નિર્ણય મુજબ તા.15/07/2021થી ધોરણ-12 માં તેમજ તા.26/07/2021 થી ધોરણ-9 થી 11 માં શાળાઓમાં પ્રત્યક્ષ શૈક્ષણિકકાર્ય શરૂ કરવામાં આવેલ છે. જેથી અભ્યાસક્રમ પૂરો કરી શકાય તેમજ વિદ્યાર્થીઓને ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે વધારે સમય મળી શકે તે માટે ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરીને આ પરીક્ષાઓ બે અઠવાડિયા જેટલી પાછળ લઇ જવાનો વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવેલ છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર