હાઈકોર્ટે ઝાટક્યા બાદ રખડતાં ઢોરને લઈ રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી, હવે રજિસ્ટ્રેશન ફરજિયાત

ગુરુવાર, 24 ઑગસ્ટ 2023 (19:01 IST)
મહાનગર પાલિકા તેમજ નગરપાલિકા હદ વિસ્તારમાં રજીસ્ટ્રેશન વગરનાં ઢોરને જપ્ત કરવામાં આવશે
જાહેર રસ્તાઓ પર ઘાસ વેચાણ અને પશુઓને ઘાસ ખવડાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો
 
 રાજ્યમાં રખડતા ઢોરોના ત્રાસના કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બને છે.ગુજરાત હાઈકોર્ટે 11 જુલાઈના રોજ અમદાવાદના બિસ્માર રસ્તા અને રખડતાં ઢોર મુદ્દે સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી. ત્યાર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઢોર અંકુશ પોલિસીને સુધારા વધારા સાથે મંજૂરી આપી દેવામાં આવી છે. હવે રાજ્ય સરકારે રખડતા ઢોરને લઈ મહાનગરપાલિકા તેમજ નગરપાલિકા વિસ્તાર માટે સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ વિસ્તારોમાં રખડતા ઢોરનું રજીસ્ટ્રેશન પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. રજીસ્ટ્રેશન વગરનાં ઢોરને જપ્ત કરવામાં આવશે. 
 
રસ્તા પર રખડતા પકડાશે તો તે ઢોરને જપ્ત કરાશે
રાજ્ય સરકારે મહાનગરપાલિકા તેમજ નગરપાલિકા વિસ્તાર માટે રખડતાં ઢોરને લઈને માર્ગદર્શિકા જાહેર કરી ઢોર માલિકો સામે કડક નિર્ણય લીધો છે. જેમાં રાજ્યની દરેક મહાનગરપાલિકા તેમજ નગરપાલિકા વિસ્તારમાં ઢોરનું રજીસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે. તે ઉપરાંત મહાનગરપાલિકા તેમજ નગરપાલિકાએ પશુઓમાં ટેગ લગાવવાની કામગીરી કરવી પડશે.પરમિશન માટે નિશ્ચિત ચાર્જ ભરવો પડશે. તેમજ જાહેર રસ્તાઓ પર ઘાસ વેચાણ અને પશુઓને ઘાસ ખવડાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. રજીસ્ટ્રેશન વગરનાં ઢોર જો રસ્તા પર રખડતા પકડાશે તો તે ઢોરને જપ્ત કરાશે. 
 
જાહેર રસ્તાઓ પર ઘાસ વેચાણ પર પ્રતિબંધ 
રાજ્યમાં રખડતા ઢોરને લીધે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. જેને લઈ રાજ્ય સરકાર દ્વારા આજે મહાનગરપાલિકા તેમજ નગરપાલિકા હદ વિસ્તારમાં કડક પણે માર્ગદર્શિકાનું પાલન કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. માર્ગદર્શિકામાં ઢોર માલિક કેટલા ઢોર રાખી રહ્યા છે તે અંગેની માહિતી રજૂ કરવાની રહેશે અને રજીસ્ટ્રેશન કરાવવું તેમજ ટેગ લગાવવાનું ફરજીયાત કરાયું છે. તેમજ જાહેર રસ્તાઓ પર ઘાસ વેચાણ અને ખવડાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર