ઈડરમાં ‘લંકેશ’ના ઘરમાં તસ્કરો ત્રાટક્યા, ભગવાન રામના મુગટ, પાદુકા સહિત 4.50 લાખની ચોરી

સોમવાર, 6 ફેબ્રુઆરી 2023 (15:54 IST)
રામાયણ સિરિયલમાં રાવણનું પાત્ર ભજવનારા દિવંગત અરવિંદ ત્રિવેદીના ઇડરના સદાતપુરામાં આવેલ બંગલામાં તસ્કરો ત્રાટક્યા અને લંકેશના ઘરમાંથી ભગવાન રામના મુગટ, પાદુકા સહિત 4.50 લાખની મતાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. મુંબઈમાં રહેતા અરવિંદ ત્રિવેદીના દીકરીએ ઈડર પહોંચીને ફરિયાદ નોંધાવી છે. બંગલામાંથી 4.50 લાખ રૂપિયાની ચોરી થઈ છે. ફરિયાદને પગલે ઈડર પોલીસે તપાસ હાથ ધરી છે.
 
પ્રાપ્ત વિગતો પ્રમાણે ઈડરમાં અરવિંદ ત્રિવેદીના બંધ બંગલામાં 1થી 4 ફેબ્રુઆરી વચ્ચે રાતના સમયે તસ્કરોએ હાથ ફેરો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. રામયણમાં રાવણનો રોલ અદા કરનાર અરવિંદ ત્રિવેદી ભગવાન રામની નિયમિત પૂજા-અર્ચના કરતા હતા. તેમણે પોતાના બંગલોમાં રામજીની પ્રતિષ્ઠા કરાવી હતી. તસ્કરો ભગવાન રામની ચરણ પાદુકા, છત્ર, કમરબંધ તથા પૂજાના અન્ય વાસણો ચોરી કરી ગયા હતા. રૂ.15 હજાર રોકડ તથા ટીવી સહિત કુલ મળીને રૂ.4.50 લાખની રકમની વસ્તુઓ ચોરાઈ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
 
અરવિંદ ત્રિવેદીએ રામાયણ સીરિયમાં રાવણનું પાત્ર ભજવ્યું હતું. તેમણે રાવણનું પાત્ર ભજવતા સમયે ભગવાન રામને ઘણા ખરાબ શબ્દો કહ્યા હતા. આથી તેઓ ખૂબ વ્યથિત રહેતા હતા અને તેના પશ્ચાતાપના ભાગ રૂપે જીવનના અંતિમ શ્વાસ સુધી ભગવાન રામની મનથી સેવા-પૂજા કરતા હતા. આ માટે તેમણે ઈડર સ્થિત પોતાના બંગલામાં મોરારી બાપુના હસ્તે ભગવાન રામની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી હતી. જેની તેઓ નિત્ય સેવા-પૂજા કરતા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર