FRCએ ફી નક્કી નહીં કરતાં સ્કૂલો-વાલીઓ મૂંઝવણમાં, સ્કૂલો ઉઘરાણી કરે છે

શુક્રવાર, 10 સપ્ટેમ્બર 2021 (10:32 IST)
અમદાવાદ ઝોન એફઆરસીએ નવા શૈક્ષણિક વર્ષ માટેની ફી નક્કી ન થતા વાલીઓ અને સ્કૂલ સંચાલકો વચ્ચે ઘર્ષણ વધી રહ્યું છે. સ્કૂલ મેનેજમન્ટ સ્કૂલ ચલાવવા માટે ફીની ઉઘરાણી કરે છે, જ્યારે વાલીઓ એફઆરસી દ્વારા અંતિમ ફી નક્કી થયા બાદ જ ફી ભરશે તેવી વાત સ્કૂલને જણાવી રહ્યાં છે. આદર્શ સ્થિતિમાં સ્કૂલો શરૂ થવાની સાથે ફી નક્કી થવી જોઇએ. જેથી વાલીઓ એફઆરસીએ નક્કી કરેલી ફી ભરી શકે. પરંતુ અમદાવાદ ઝોન એફઆરસીના સભ્યો અને ચેરમેનની જગ્યા ખાલી હોવાથી સ્કૂલોની ફી નક્કી થઇ શકી નહોતી. સત્ર શરૂ થતાની સાથે જ સ્કૂલોએ પોતાની જૂની ફીમાં પોતાની રીતે 10થી 20 ટકા સુધીનો વધારો કરીને પ્રોવિઝનલ ફી ઉઘરાવવાની શરૂઆત કરી હતી. જેને લઇને વાલીઓમાં વિરોધ છે. વાલીઓનો જણાવ્યા પ્રમાણે, એફઆરસીએ ફી જ નક્કી નથી કરી તો ફી કેમ ભરવાની, કારણ કે ફી વધારા માટે ગયા વર્ષની 25 ટકા ફી માફી પહેલાની રકમને આધારે માનવામાં આવે છે કે માફી બાદની રકમને ધ્યાને લેવામાં આવે છે. જેને લઇને સ્પષ્ટતા ન હોવાથી વાલી પ્રોવિઝનલ ફી ભરી રહ્યાં નથી. સ્કૂલ સંચાલકનું કહેવું છે કે, હજુ સુધી સ્કૂલોની ફી નક્કી ન થઇ હોવાથી ઘણા વાલીઓ એફઆરસીની નક્કી થયેલી ફી ભરવાનો આગ્રહ રાખે છે. જેના કારણે સ્કૂલોને પૂરતી ફી મળી નથી રહી. સ્કૂલો હાલમાં પ્રોવિઝનલ ફી ઉઘરાવી રહી છે. ઘણાં વાલીઓ તેનો વિરોધ જોવા મળી રહ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર