મુખ્યમંત્રીએ જાહેર કર્યો ઐતિહાસિક નિર્ણય, ભાડુઆતો હવે કાયદેસર માલિક બનશે

સોમવાર, 31 ઑગસ્ટ 2020 (11:37 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ મહાનગરમાં પાછલા સાડા ચાર દાયકા ૪૫ વર્ષથી પડતર રહેલો નિર્વાસિત મિલકત ધારકો, દુકાનો અને છૂટક જમીનોના માલિકી હક્કનો પ્રશ્ન આગવી નિર્ણાયકતાથી હલ કર્યો છે
 
મુખ્યમંત્રીએ આ પ્રશ્નનું નિવારણ લાવતા જાહેર કર્યું છે કે, નિર્વાસિતોની મિલકતો સહિતની આવી દુકાનો, ગોડાઉનો, છૂટક જમીનોના ભાડુઆતોને કાયદેસરના લાંબાગાળાના માલિકી હક્ક ભાડાપટ્ટે અપાશે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અમદાવાદના મેયર બીજલ પટેલ,  સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમૂલભાઈ ભટ્ટ તેમજ  અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર અને રાજ્ય સરકારના શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરીવગેરેની યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય વિજય રૂપાણીએ કર્યો છે.
 
અમદાવાદ શહેરના બધા જ ઝોનમાં આવી જે મિલકતો- દુકાનો - છૂટક જમીનો છે તેમા ત્રણ કેટેગરીમા મિલકતો- દુકાનો -છુટક જમીનો આપવામાં આવેલી છે. તદ્દનુસાર, રેન્ટથી આપેલી કે વાર્ષિક, માસિક ટોકનથી આપેલી બાંધકામ સાથેની અને પ્રીમિયમ વગરની  અંદાજે ૨૭૩૪ મિલકતો છે. રેન્ટથી આપેલ કે વાર્ષિક, માસિક ટોકન ભાડેથી બાંધકામ વગરની અને પ્રીમિયમ સાથેની ખુલ્લી જમીનના  આશરે ૧૪૭ કિસ્સાઓ થાય છે.
 
આ ઉપરાંત નિર્વાસિત સિંધીભાઈઓ-  પરિવારો સહિતના નિર્વાસિતોને રેન્ટથી આપેલ કે વાર્ષિક,માસિક ટોકનથી આપેલ મિલકત અથવા ખુલ્લી જમીન જે બાંધકામ વગરની છે તેના  અંદાજે ૧૧૯૬ કિસ્સા મળી સમગ્રતયા  કુલ આશરે ૪૦૭૭ જેટલા આવા કેસો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવા નિર્વાસિત પરિવારો  મિલ્કત ધારકો સહિત  લાટી બજાર ના લોકો તેમજ સામાન્ય વર્ગના આવા દુકાન ધારકો  પરિવારો- માનવીઓના વિશાળ વ્યાપક હિતમાં આ સંવેદના સ્પર્શી નિર્ણય કર્યો છે.
 
 
આ નિર્ણયને પગલે હવે સાડા ચાર દાયકા બાદ  કાયદેસરના લાંબાગાળાના માલિકી હક્ક ભાડાપટ્ટે મેળવવાનો માર્ગ આવા સામાન્ય વર્ગના  પરિવારો લોકો માટે ખુલ્યો છે. 
 
મુખ્યમંત્રીએ આ દિશામાં યોગ્ય કાર્યવાહી સત્વરે નિયમાનુસાર હાથ ધરવા પણ બેઠકમાં સૂચનાઓ આપી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર