સરકારી કર્મચારીઓ માટે રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય, કોરોના સંક્રમિત કર્મચારીને મળશે આ લાભ

ગુરુવાર, 1 એપ્રિલ 2021 (08:45 IST)
રાજ્યમાં ફરી કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે પણ સચિવાલયમાં 10 જેટલા કર્મચારીઓને કોરોના સંક્રમિત થયા હતા. જ્યારે મંગળવારે ઉર્જા મંત્રી સૌરભ પટેલ અને ભરુચના ધારાસભ્ય દુષ્યંત પટેલ કોરોના સંક્રમિત થયા હતા. તો મહેસૂલ મંત્રી કૌશિક પટેલની પણ પ્રશ્નોત્તરી કાળ દરમિયાન તબિયત લથડતા તેમનું તેમના નિવાસસ્થાને મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યુ હતુ.
 
વિજય રૂપાણી સરકારે સરકારી કર્મચારીઓ માટે જાહેરાત કરી છે કે,  જો કોઈ કર્મચારી કોરોના સંક્રમિત થશે તો તેમને 10 દિવસની ખાસ રજા આપવામાં આવશે. એટલું જ નહીં. જો કોઈ કર્મચારીની રજા જમા નહીં હોય તો પણ તેને આ ખાસ રજા અપાશે. 10 દિવસની રજાનો લાભ ફિક્સ પગારના કર્મચારીઓ અને કરાર આધારિત કર્મચારીઓને પગાર સાથે આપવામાં આવશે. 
 
રાજ્યમાં પહેલી એપ્રિલથી 45થી વધુ વયના લોકોને વેક્સિન આપવાની શરુઆત થશે. 2 હજાર 500 કેંદ્ર પર કાલથી વેક્સિનેશનની વ્યવસ્થા કરાઇ છે. આ રસીકરણ અભિયાનમાં જોડાવવા મુખ્યમંત્રીએ સંસ્થાઓને પણ અપીલ કરી. સંતો, અને સામાજીક સંસ્થાઓની સાથે ઉદ્યોગપતિઓને પણ આગ્રહ કર્યો. સાથે જ જનતાને ગાઇડલાઇંસના પાલન સાથે વેક્સિન પર ભરોસો મુકી રસી લેવા લોકોને અપીલ કરી.
 
રાજ્યામાં એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ કોરોના વાયરસના કેસ નોંધાયા હતા.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2360 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 9 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયાં હતા. આજે રાજ્યમાં 2004 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં અત્યાર સુધી 2,90,569  લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
 
રાજ્યામાં ચિંતાજનક વાત એ છે કે, એક્ટિવ કેસનો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 12610 પર પહોંચ્યો છે. જેમાંથી 152 લોકો વેન્ટિલેટર પર અને 12458 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.43 ટકા પર પહોંચ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર