રૂપાણી કેબીનેટનું આજે વિસ્તરણ થશે જાણો કોંગ્રેસના જવાહર ચાવડા સહિત કોને મળી શકે છે મંત્રી પદ

શનિવાર, 9 માર્ચ 2019 (12:40 IST)
લોકસભાની ચૂંટણી જાહેર પહેલા છે. ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ થશે. એ વાત હવે સાચી પડી રહી છે. આજે બપોરે બારને 39 મિનિટના વિજય મહુરતમાં ગાંધીનગરમાં રાજભવન ખાતે શપથવિધિ સમારોહ યોજાશે. જેમાં વડોદરાના ભાજપના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલને મંત્રીપદના શપથ લેવડાવશે.
 
જ્યારે ગઈકાલે કોંગ્રેસના માણાવદરના ધારાસભ્યપદેથી રાજીનામું આપીને ભાજપમાં આવનારા જવાહર ચાવડાને પણ મંત્રીપદના શપથ લેવડાવાશે. આ સિવાય પણ અન્ય એકથી બે ધારાસભ્યોને મંત્રી બનાવાય એવી શક્યતાઓ  છે. જેના નામો હજુ નક્કી નથી થયા પરંતુ ખેંચતાણ ચાલી રહી છે.
 
નોંધનીય છે કે કુંવરજી બાવળિયાને કોંગ્રેસમાંથી આવ્યાના એક જ દિવસમાં કેબિનેટ મંત્રી બનાવી દેવાતા ભાજપમાં જબરદસ્ત રોષ ફેલાયો હતો. આજે ફરીથી જવાહર ચાવડાને પણ મંત્રી બનાવવાનું નક્કી થઈ જતા ભાજપ હાઇકમાન્ડે પોતાના પક્ષનો આંતરિક અસંતોષ અને રોષ હળવો કરવા માટે પોતાના સિનિયર ધારાસભ્યોને મંત્રી બનાવવાનો નિર્ણય કર્યો છે. ભાજપના ધારાસભ્યોને સંસદીય સચિવ બનાવાશે અંગેની વધુ વિગતો મેળવાઇ રહી છે.
 
અત્રે નોંધનીય છે કે છેલ્લા અઠવાડિયા ગુજરાતના રાજકારણમાં ભારે ચઢાવ-ઉતાર આવી રહ્યો છે. જે વિસ્તારમાં પોતાની સ્થિતિ નબળી છે. તેવા વિસ્તારોના કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓને ભાજપમાં લાવવાનું અભિયાન શરૂ થયુ છે તેમજ તેમને હોદ્દા અપાઈ રહ્યા છે. 
 
છેલ્લા ત્રણ-ચાર દિવસથી અલ્પેશ ઠાકોર ધવલસિંહ ઝાલા સહિતના ત્રણથી ચાર ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. એવી અટકળો વહેતી થઈ હતી પરંતુ જેમની શક્યતા હતી તેવા એક પણ ધારાસભ્ય કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા નથી, પરંતુ જે ધારાસભ્યોની કોઈ શક્યતા જ નહોતી તેવાને ભાજપે કોંગ્રેસ છોડાવીને પોતાનામાં સમાવી લીધા છે.
 
મંત્રીમંડળનું વિસ્તરણ થશે એવું નક્કી હતુ. આમ છતાં ગઈકાલ સુધી મુખ્યમંત્રી વિજય રૂપાણી એવું કહેતા હતા કે મંત્રીમંડળનું કોઈ વિતરણ થવાનું નથી. આમ તેઓ જુઠ્ઠું બોલતા હતા અથવા તો તેમને પણ ખબર નહોતી કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે.
 
આધારભૂત સૂત્રો જણાવે છે કે જવાહર ચાવડાને કેબિનેટ મંત્રી બનાવવા છે જ્યારે યોગેશ પટેલને રાજ્યકક્ષાના મંત્રી બનાવાશે. આ બંને નેતાઓને ફોન કરીને ગાંધીનગરમાં આવી જવાનો આદેશ આપી દેવાયો છે. યોગેશ પટેલ વડોદરાથી રવાના પણ થઈ ગયા છે.
યોગેશભાઈ અને જવાહર ચાવડાના સમર્થકોએ એકબીજાને મિઠાઈ ખવડાવીને ઉજવણી પણ શરૂ કરી દીધી છે. બે દિવસ પહેલા જ સચિવાલયમાં કે જ્યાં મંત્રીઓની કચેરીઓ આવેલી છે. તેવા સ્વર્ણિમ સંકુલમાં ખાલી રહેલી બે કચેરીઓની સાફ-સફાઈ ચાલુ કરાઈ હતી. જેથી પણ અટકવો તેજ બની હતી કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે આ વાત હવે સાચી પડી છે.
 
2017ની ચૂંટણી પહેલા જ રાઘવજી પટેલ સાથે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને ચૂંટણી જીતી ગયેલા હકુભા જાડેજાને રાજ્યકક્ષાના મંત્રી બનાવે એવી શક્યતાઓ છે. જોકે ભાજપ હાઈકમાન્ડ હજુ બેથી ત્રણ ધારાસભ્યોમાંથી કોને મંત્રી બનાવવા તેની ચર્ચા-વિચારણા કર્યા છે. આગામી એક કલાકમાં સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર