ધાર્યુ નહીં થતાં અલ્પેશ ઠાકોરને કોંગ્રેસને બ્લેકમેલ કરવાનો ખેલ ભારે પડ્યો

શુક્રવાર, 8 માર્ચ 2019 (14:42 IST)
રાધનપુરથી કોંગ્રેસના ધારાસભ્યપદેથી ચૂંટાયા ત્યારથી ભાજપ સરકારમાં સુંવાળા સંબંધો રાખી કોંગ્રેસને બ્લેકમેઈલ કરવા પોતાની જ પ્રેશર ટેક્ટીકમાં અલ્પેશ ઠાકોર છેવટે ફસાઈ પડયા છે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપ ભેગા થવા થનગનતા કોંગ્રેસના આ ધારાસભ્ય સામે ઠાકોર સેનામાંથી જ વિરોધ વંટોળ ઉઠયો છે. 
વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો એટલે શરૂઆતથી જ ભાજપના નેતાઓને વ્હાલા થવા માંદોઢ- બે મહિનાથી રાધનપુર- પાટણમાં ”ભાજપમાં જઉ સાથે રહેશો ?” એવુ ખાનગીમાં પુછતા અલ્પેશનુ મિશન બુધવારની રાતથી ન્યુઝ ચેનલોમાં લિક થતા ગુરૂવારે રાણિપ સ્થિત તેના નિવાસસ્થાને ઉત્તર ગુજરાતથી ઠાકોર સેનાના આગેવાનો આવી પહોંચ્યા હતા.
તેમાંથી અધિકાંશ કાર્યકરોએ અલ્પેશ ઠાકોરનો વિરોધ કર્યો હતો. નેતાગીરીના નામે આ ધારાસભ્યને મોંઢા ઉપર ખરીખોટી સંભળાવી હતી. પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસ પૂર્વ સાંસદ જગદિશ ઠાકોરને રિપિટ કરી રહ્યુ છે. અલ્પેશ ઠાકોરને તેમના સામે વિરોધ છે. માત્ર પાટણ જ નહી, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર એમ લોકસભાની ચાર બેઠકો પર પોતાના ઉમેદવારોને ટિકીટ આપવા કોંગ્રેસમાં ધમપછાડા કર્યા હતા. 
ધાર્યુ ન થતા ભાજપમાં ભેગા થવાનો ડર દેખાડવાની રાજકારણમાં અલ્પેશનો ફૂગ્ગો ફૂટી ગયો હતો. ચર્ચાતી વિગતો મુજબ રાધનપુરના આ ધારાસભ્યે પોતે કોંગ્રેસના પાંચ ધારાસભ્યને સાથે લઈને ભાજપ ભેગા થશે એવો દાવો કર્યો હતો. જો કે, તેમાંથી વાવના ગેનીબહેન, સિધ્ધપુરના ચંદનસિંહ અને બહુચરાજીના ભરત ઠાકોર ફસકી પડયા છે. આથી, ભાજપ પ્રવેશથી કેબિનેટ મંત્રીપદની મડાગાંઠ વધુ ગુંચવાઈ છે.
સામી લોકસભા ચૂંટણીએ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ નેતાગીરી પર બ્લેકમેલિંગ કરવાનું શરૂ કર્યું છે. ભાજપનો ડર બતાવીને વિધાનસભા ચૂંટણીની માફક લોકસભા ચૂંટણીમાં પણ પોતાના ધાર્યા કામો પાર પડાવવાનો આ ખેલ છે તેમ રાજકીય વર્તુળો દાવો કરી રહ્યા છે.
આમ તો કોંગ્રેસ હાઈકમાન્ડે નિર્ણય કર્યો છે કે, કોઈ ધારાસભ્યને લોકસભાની ટિકિટ નહિ મળે. ભલે આ નિર્ણયનો જડતાથી અમલ નહિ થાય પરંતુ અલ્પેશે પાટણમાં લોકસભાની ટિકિટ માટે તો બ્લેક મેલિંગ કર્યું જ છે, તે ઉપરાંત અન્ય કેટલીક બેઠકો પર પોતાના ઉમેદવારો ગોઠવાય એ માટે પણ તે કોંગ્રેસનું નાક દબાવી રહ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર