છેલ્લા 6 મહિનાથી નારાજ અલ્પેશ ઠાકોર કોંગ્રેસ સાથે ગદ્દારી કરીને ભાજપમાં જોડાશે

ગુરુવાર, 7 માર્ચ 2019 (11:54 IST)
લોકસભા ચૂંટણી જાહેર થવા આડે માત્ર કહેવા પુરતાં દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ શકે છે. રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ, ભાજપમાં જોડાયા બાદ અલ્પેશ ઠાકોર સંસદીય સચિવ તરીકે શપથ લેશે. અલ્પેશ સાથે ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલને પણ સંસદીય સચિવ બનાવવામાં આવે એવી સંભાવના છે. ત્રણેક દિવસ પહેલા અલ્પેશ ઠાકોરે રાધનપુરમાં ધામા નાખ્યાં હતા. તેણે ભાજપમાં જવું કે કેમ અને લોકસભા ચૂંટણી લડવી કે નહીં તે અંગે સમર્થકો સાથે પરામર્શ કર્યો હતો. 
સૂત્રો કહે છે કે,ઠાકોર સેનાના કેટલાંક આગેવાનોએ જ રાધનપુર મતવિસ્તારમાં સર્વે કર્યો હતો. જેમાં સમર્થકોને પૂછવામાં આવ્યું હતું કે,જો અલ્પેશ ઠાકોર ભાજપમાં જાય તો તમે તેની સાથે જોડાશો કે નહીં, ભાજપમાં જોડાયા બાદ લોકસભાની ચૂંટણી લડવી કે નહીં.ગત જાન્યુઆરીમાં અલ્પેશ ઠાકોરે એકતા યાત્રા દરમિયાન ભાજપના નેતા શંકર ચૌધરી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ તે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સાથે મુખ્યમંત્રી રૂપાણીને પણ મળવા ગયો હતો. આ દરમિયાન સીએમ રૂપાણી અને અલ્પેશ ઠાકોર વચ્ચે અડધો કલાક સુધી ચર્ચા ચાલી હતી. 
આ પહેલા પ્રભારી રાજીવ સાતવે બોલાવેલી કોંગ્રેસની કારોબારીમાં છેલ્લા કેટલાક સમયથી નારાજ અલ્પેશ ઠાકોર ગેરહાજર રહ્યો હતો. અલ્પેશની સાથે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ નારાજ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. આ પહેલા ધવલસિંહે પણ પ્રદેશ પ્રભારી સાતવ અને અહમદ પટેલ સાથે અલગ-અલગ બેઠક યોજી હતી, જેમાં પ્રદેશ કોંગ્રેસ વિરુદ્ધ નારાજગી વ્યકત કરી હતી. આ સિવાય અલ્પેશે તાજેતરમાં પોતાની નારાજગી અને ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ અલ્પેશ ઠાકોરે ગુજરાતમાં એકતાયાત્રા કાઢી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર