શું કોંગી ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ બાવળીયાની જેમ પક્ષ સાથે દગો કરશે? ભાજપે મંત્રીપદની ઓફર આપ્યાની ચર્ચા

સોમવાર, 7 જાન્યુઆરી 2019 (12:46 IST)
જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ સામે પરાજિત થયા બાદ કોંગ્રેસમાં અસંતોષની આંધી ઉઠી છે. ખાસ કરીને સિનિયર નેતાઓ દ્વારા પોતાની અવગણના થઈ રહી હોવાનો કકળાટ શરૂ કર્યો છે.  આવી સ્થિતિમાં કોંગ્રેસના પ્રથમ વાર ચૂંટાયેલા યુવા નેતા અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ જાય તેવી શક્યતાઓ છે. તેમની સાથે કેટલાક અસંતુષ્ટ ધારાસભ્યો અને આગેવાનો પણ કોંગ્રેસ છોડીને જતા રહે તેવી શક્યતાઓ છે.

સચિવાલયમાં થઈ રહેલી ચર્ચા પ્રમાણે ભાજપે અલ્પેશ ઠાકોરને ઓફર આપી છે કે જો તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવશે તો તેઓને પણ કુંવરજી બાવળીયાની જેમ મંત્રીપદ અપાશે. 

અત્રે નોંધનીય છે કે પાંચેક મહિના પહેલાં કોંગ્રેસથી કંટાળીને કોળી સમાજના વરીષ્ઠ નેતા કુંવરજી બાવળીયા કોંગ્રેસમાંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. તેઓને ભાજપે સીધા જ કેબિનેટ મંત્રી પણ બનાવી દીધા હતા. ત્યારબાદ જસદણ વિધાનસભાની યોજાયેલી પેટાચૂંટણીમાં તેમને જીતાડવા માટે સરકારે તમામ મદદ કરી હતી.
અલ્પેશ ઠાકોરને પણ ભાજપે ઓફર આપી હોવાની વાત છે. લોકસભાની ચૂંટણી આડે હવે માંડ સાડા ત્રણ મહિનાનો જ સમય બાકી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા કોંગ્રેસમાંથી મજબૂત નેતાઓને ભાજપમાં લેવા માટેના પ્રયાસો ફરીથી તે જ બનાવ્યા છે. અગાઉ પણ થોડો સમય પહેલા સચિવાલયમાં એવી અફવા હતી કે અલ્પેશ ઠાકોર અન્ય ચારથી પાંચ ધારાસભ્યોને લઈને ભાજપમાં જઈ રહ્યા છે પરંતુ એ વાત ખોટી પડી હતી. અફવા બાદ કોંગ્રેસ હાઇકમાન્ડે અલ્પેશ ઠાકોરને બિહાર વિધાનસભાની ચૂંટણીમાં સહપ્રભારી તરીકેની જવાબદારી આપી હતી તેમજ કેન્દ્રીય પ્રદેશ સંગઠનમાં સ્થાન આપ્યું હતુ પરંતુ હવે ફરીથી અલ્પેશ ઠાકોર અને અન્ય ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈ રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર