ઓલપાડ કોલેજમાં અધ્યાપન સેવા આપીને નિવૃત્ત થયેલાં કોકિલાબેને તેમના પેન્શન અને નિવૃત્તિની મુડીમાંથી આ રકમ સેવાભાવનાથી પ્રેરાઈને અર્પણ કરી હતી. આજે તેમણે વિવિધ આઈસોલેશન સેન્ટરમાં આરોગ્ય સેવા આપતી બહેનોને સ્વહસ્તે પગારના ચેકો અર્પણ કર્યા હતા. જેમાં નાના વરાછા કોમ્યુનિટી હોલ ખાતે સંસ્કૃતિ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા સંચાલિત આઈસોલેશન સેન્ટરમાં સેવા આપતી દિપાલી રાજેશભાઈ કિકાણી તથા ભુમિકા દેવરાજભાઈ મિરોલીયાને પગારના ચેક અર્પણ કર્યા હતા.
આ ઉપરાંત, ઉત્રાણ ગામ ખાતે કોમ્યુનિટી હોલમાં લાઈફલાઈન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આઈસોલેશન સેન્ટરમાં કામ કરતા કલ્પાબેન પરમાર અને અરવિંદભાઈ એમ.ચાવડાને તેમના નિ:સ્વાર્થ સેવા મૂલ્ય પેટે કોકિલાબેને ચેક અર્પણ કર્યા હતા.
કોકિલાબેન જણાવે છે કે, 'હું ભલે કોરોનાગ્રસ્તોની જાતે સેવા કરી ન શકું, પણ તેમને આર્થિક ટેકો આપીને મદદરૂપ તો બની શકું ને..' આ ભાવના સાથે મેં સમાજ પ્રત્યેની મારી ફરજ નિભાવી છે. જીવના જોખમે સેવા કરતાં આ સાચા કોરોનાયોદ્ધાઓને સહાયરૂપ થવું એ ખરી માનવસેવા છે.