હિમંતનગરમાં ભયના વાતાવરણ વચ્ચે પરિવારોની હિજરત, સરકાર અને પોલીસ આવી એક્શનમાં

મંગળવાર, 12 એપ્રિલ 2022 (15:18 IST)
હિંમતગનરમાં રામનવમી નિમિત્તે યોજાયેલી શોભાયાત્રા પર પર કરવામાં આવેલા પથ્થરમારા બાદ રાજ્યનો ગૃહ વિભાગ અને પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. ત્રણ જિલ્લાની પોલીસ, RAF અને SRPનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પરિસ્થિતિને થાળે પાડી ફરી કોઈ તોફાનો ન થાય તેના માટે સોમવારે સાંજે શાંતિ સમિતિની બેઠક જિલ્લા પોલીસ વડા અને કલેકટરની આગેવાનીમાં યોજાઈ હતી. આ શાંતિ સમિતિની મીટીંગની પાંચ કલાક બાદ મોડી રાત્રે ફરી હિંમતનગરના વણઝારા વાસમાં બે જૂથો વચ્ચે અથડામણની ઘટના થઈ હતી.વણઝારાવાસમાં પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા હતાં. આ ઘટનાને પગલે રાજય પોલીસ વડા અને ગૃહ રાજ્યમંત્રી હિંમતનગર જવા રવાના થયાં છે.
 
50થી વધુ પરિવારોની હિજરત
પોલીસ સમગ્ર શહેરમાં બંદોબસ્ત અને શાંતિ સમિતિની મીટીંગ બાદ પણ તોફાન થતા પોલીસ તંત્ર નિષ્ફળ ગયું છે. મોડી રાતે બનેલી ઘટના બાદ સ્થિતિ વધુ વણસી ગઈ છે. અસામાજિક તત્વોના હુમલા બાદ વણઝારા વાસમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સવારથી ત્યાં રહેતા 50થી વધુ પરિવારો બાળકો અને ઘરવખરી સહિત હિજરત કરી રહ્યા છે.હિંમતનગરમાં વણઝારાવાસમાં અથડામણ બાદ ભયનો માહોલ છવાયો છે.વણઝારા વાસમાં રહેતા લોકો મકાનોને તાળા મારીને અન્ય જગ્યાઓ પર જઇ રહ્યા છે. રાતે અસામાજિક તત્વો દ્વારા પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવતા લોકોમાં ભયનો માહોલ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર