રાજકોટ અગ્નિકાંડઃકેબિનેટ મંત્રી ભાનુબેન રડી પડ્યાંઃ કહ્યું. મારું નામ ખૂલશે તો જાહેર જીવન છોડી દઈશ

શનિવાર, 1 જૂન 2024 (16:01 IST)
Cabinet minister Bhanuben cried: said. I will leave public life if my name is revealed
ગેમઝોન અગ્નિકાંડની ઘટનામાં 27 લોકોના મોત થયાં છે. આ ઘટનામાં રાજકોટ ભાજપના નેતાઓ નહીં દેખાતા લોકોમાં રોષ ફેલાયો છે. રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા અને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને લોકોએ ઘેરી લીધા હતાં. ત્યાર બાદ ઘટનાના એક સપ્તાહ જેટલા સમય બાદ સ્થાનિક નેતાઓ અને મંત્રી મીડિયા સામે આવ્યાં છે. ભાજપના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા આજે ઘટનાને લઈ મીડિયા સમક્ષ રડી પડ્યા હતા.બીજી તરફ રાજકોટના ભાજપના પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ પણ આજે મીડિયા સમક્ષ આવ્યા છે.
 
દુર્ઘટના બની ત્યારે હું રાજકોટમાં નહોતી.
કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું કે, ઘટનામાં મારું નામ ખુલશે તો જાહેર જીવન છોડી દઈશ. 25 મેને શનિવારે TRP ગેમ ઝોન દુર્ઘટના બની ત્યારે હું રાજકોટમાં નહોતી. જો કે, બીજા દિવસે રાજકોટ પહોંચી તે સાથે છે સિવિલ હોસ્પિટલે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મળી હતી અને સાંત્વના પાઠવી હતી. SITની રચના કરવામાં આવી છે ત્યારે તેમાં જે કોઈ પણ જવાબદાર હશે તેમની સામે પગલા લેવામાં આવશે. રાજકોટના ભાજપના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા આજે ઘટનાને લઈ મીડિયા સમક્ષ રડી પડ્યાં હતાં. 
 
TRP ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટના શરમજનકઃ ગોવિંદ પટેલ
રાજકોટ ભાજપનાં પૂર્વ ધારાસભ્ય અને સિનિયર નેતા ગોવિંદ પટેલે જણાવ્યું હતું કે, TRP ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટના શરમજનક છે. આ પ્રકારની ઘટના બીજી વખત ન બને તે માટે સરકાર સતર્ક છે. જેથી ઉચ્ચ કક્ષાની SITની રચના કરી દીધી છે. SIT જે દિશામાં કાર્યવાહી કરી રહી છે અને એક્શન લઈ રહી છે તે યોગ્ય છે. જેમાં જે કોઈ પણ જવાબદાર છે તેમને સરકાર છોડશે નહીં તેવા મક્કમ નિર્ધાર સાથે જ SITની રચના કરવામાં આવી છે. રાજકોટની ઘટનાને કારણે રાજ્યભરમાં જ્યાં જ્યાં અસુવિધાઓ છે ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. આ તકે તેમણે કહ્યુ કે, જો આ ઘટનામાં મારી સામે ગેરરીતિ સાબિત થશે તો ત્યારે ગોવિંદ પટેલ નહીં હોય. સરકાર યોગ્ય દિશામાં તપાસ કરી રહી છે. જે કોઈ દોષિતો હશે તેના મૂળ સૂધી SIT જશે. તપાસ કઈ દિશામાં કરવી તે SITનો વિષય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર