હવામાન વિભાગે 3 અને 4 જૂનના રોજ વરસાદની આગાહી કરી હતી. ત્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા, વડાલી પંથકમાં ભારે પવન સાથે મેઘ મહેર જોવા મળી હતી. ભારે પવન સાથે વરસાદ વરસતા બાજરી સહિતના ઉનાળુ પાકને મોટા નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. ઉનાળુ પાકને નુકસાનીની ભીતીને લઈને ખેડૂતો પણ ચિંતિત થયા છે. વડાલી અને પોશીનામ એક-એક ઇંચ વરસાદ નોંધાયો છે તો આ તરફ ખેડબ્રહ્મા અને પ્રાંતિજમાં અડધો-અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.
તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો હતો. વરસાદી ઝાપટાં પડ્યા હતા. બનાસકાંઠાના ધાનેરા, ડીસા, દાંતીવાડા, અમીરગઢ, દાંતા, અંબાજી, વડગામ, પાલનપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. તો બાપલા, વક્તાપુરા, વાછોલ, આલવાડા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.
જો કે, ગુજરાતમાં નેઋત્યનું ચોમાસુ હજુ 18 મી થી 20મી તારીખ સુધીમાં બેસે તેવી શકયતા છે. ગુજરાત ઉપરાંત બંગાળના અખાતમાં ઉભી થયેલી વરસાદની પરિસ્થિતિના કારણે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના પુર્વ ભાગમાં પણ વરસાદી વાદળો જોવા મળી રહયાં છે. તેને લીધે ગુજરાતમાં પણ ચોમાસુ બેસતાં જ સારો વરસાદ થશે તેવી શકયતા છે.