ચોમાસાના આગમન પુર્વે રાજયમાં મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી અને બફારાનો અનુભવ થઇ રહયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વાદળછાયુ વાતાવરણ આગામી બે ત્રણ દિવસ યથાવત રહેવાની શકયતા છે અને શનિવાર પાંચમી જુન તથા રવિવાર છઠૃી જુન દરમિયાન રાજયના અનેક ભાગોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં જયારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે.
જો કે, ગુજરાતમાં નેઋત્યનું ચોમાસુ હજુ 18 મી થી 20મી તારીખ સુધીમાં બેસે તેવી શકયતા છે. ગુજરાત ઉપરાંત બંગાળના અખાતમાં ઉભી થયેલી વરસાદની પરિસ્થિતિના કારણે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના પુર્વ ભાગમાં પણ વરસાદી વાદળો જોવા મળી રહયાં છે. તેને લીધે ગુજરાતમાં પણ ચોમાસુ બેસતાં જ સારો વરસાદ થશે તેવી શકયતા છે.