કોરોનામાંથી સાજા થયા પછી શું વૅક્સિનનો માત્ર એક ડોઝ લેવો પૂરતો રહેશે?

મંગળવાર, 1 જૂન 2021 (13:33 IST)
એક તરફ ભારતમાં કોરોનાની વૅક્સિનની અછત છે ત્યારે બીજી તરફ એવા સમાચાર આવી રહ્યા છે કે વૅક્સિનના સિંગલ ડોઝથી પણ કામ ચાલી જશે. સ્વાભાવિક રીતે બધા લોકો આ સમાચારને બહુ રસપૂર્વક વાંચશે. આવા જ એક સમાચાર ઉત્તર પ્રદેશના વારાણસીથી આવ્યા છે.
 
ઉત્તર પ્રદેશની બનારસ હિંદુ યુનિવર્સિટીના પ્રોફેસરોના સંશોધન પ્રમાણે કોરોના વાઇરસના સંક્રમણમાંથી સાજા થયેલાં લોકોને વૅક્સિનનો એક ડોઝ પણ પૂરતો છે.
 
પોતાના સંશોધનના પરિણામો અંગે બીએચયુના પ્રોફેસરોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ પત્ર લખ્યો છે. તેમણે પોતાના સંશોધનના આધારે સૂચન આપ્યું છે કે જે લોકો કોરોનાના સંક્રમણથી સાજા થઈ ગયા હોય, તેમને વૅક્સિનનો એક જ ડોઝ આપવામાં આવે.
 
તેમનો તર્ક છે કે આમ કરવાથી લગભગ બે કરોડ વૅક્સિનની બચત કરી શકાશે.
 
અહીં એ યાદ રાખવું જરૂરી છે કે ભારતમાં કોરોનાના સંક્રમણમાંથી સાજા થયેલાં લોકોની સંખ્યા બે કરોડ જેટલી છે. ભારતમાં વૅક્સિનની ભારે અછત છે ત્યારે આ સમાચારે ઘણા લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષ્યું છે.
 
બીએચયુમાં ન્યૂરોલૉજી વિભાગના બે પ્રોફેસરો - વિજયનાથ મિશ્રા અને પ્રોફેસર અભિષેક પાઠક તથા મોલેક્યુલર એન્થ્રોપોલૉજી વિભાગના એક પ્રોફેસર જ્ઞાનેશ્વર ચૌબેએ 20 લોકો પર આ સંશોધન કર્યું હતું, જેઓ તાજેતરમાં જ કોરોનામાંથી સાજા થયાં હતા.
 
તેમને જાણવા મળ્યું કે કોવિડ-19 વેક્સિનનો પહેલો ડોઝ કોરોનામાંથી સાજા થઈ ચૂક્યા હોય તેવા લોકોના શરીરમાં શરૂઆતના 10 દિવસોમાં પૂરતા પ્રમાણમાં એન્ટિબૉડી બનાવી દે છે.
 
કોરોનાનો ચેપ લાગ્યો ન હોય તેવા લોકોમાં વૅક્સિનના પ્રથમ ડોઝથી એટલા પ્રમાણમાં એન્ટીબૉડી નથી બનતા.
 
પરંતુ માત્ર 20 લોકો પર કરવામાં આવેલા અભ્યાસના આધારે વડા પ્રધાનને આ પ્રકારના સૂચનો મોકલવાનું કેટલા પ્રમાણમાં યોગ્ય કહી શકાય?
 
આ સવાલના જવાબમાં પ્રોફેસર ચૌબેએ બીબીસીને જણાવ્યું કે, "વિશ્વના અન્ય દેશોમાં પણ આ પ્રકારના અભ્યાસ થયા છે. અમેરિકામાં mRNA વૅક્સિન પર આવા જ પ્રકારનું સંશોધન થયું છે અને તેના પરિણામો પણ અમારા સંશોધન જેવા જ છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે અમારા સંશોધનમાં પણ દમ છે. અમે માત્ર સૂચન આપ્યું છે. ભારત સરકાર પાસે સંસાધનોની અછત નથી. અમારા સંશોધનના પરિણામો અને વિદેશમાં થયેલા સંશોધનના પરિણામોના આધારે કેન્દ્ર સરકાર જાતે આ દિશામાં ડેટા એકત્ર કરીને કામ કરી શકે છે. તેમાં માંડ છ મહિનાનો સમય લાગશે."
 
પ્રોફેસર ચૌબેનું કહેવું છે કે આ અભ્યાસ ઉત્તર ભારતના લોકો પર ફેબ્રુઆરી મહિનામાં જ કરવામાં આવ્યો હતો, જેઓ કોરોનાની પહેલી લહેરમાં સંક્રમિત થયાં હતા. આ લોકોને કોવિશિલ્ડ આપવામાં આવી હતી. હવે તેઓ કોવૅક્સિન પર આવો જ અભ્યાસ કરી રહ્યા છે.
 
આની પાછળ વૈજ્ઞાનિક આધાર શું છે?
 
 
મૌલાના આઝાદ મેડિકલ કૉલેજમાં કોમ્યુનિટી મેડિસિન વિભાગના હેડ ડૉક્ટર સુનીલા ગર્ગ માને છે કે વૈજ્ઞાનિક આધાર પર જોવામાં આવે તો સંશોધનના તારણોમાં જે કહેવામાં આવ્યું છે તે શક્ય છે. એક વખત કોઈ પ્રકારનું સંક્રમણ થઈ જાય ત્યાર પછી શરીરની અંદરના મેમરી સેલ્સ યાદ રાખે છે કે હવે પછી આ બીમારીનો સામનો કેવી રીતે કરવાનો છે. કોરોનાના સંક્રમણ પછી શરીરમાં વાઇરસ વિરુદ્ધ એન્ટિબૉડી બની જ જાય છે. વાઇરસનો મુકાબલો કરવા માટે મેમરી સેલ્સ તાલીમબદ્ધ બની જાય છે. એટલે કે જેમને કોરોના થઈ ગયો છે, તેમને એક રીતે જોતા વૅક્સિનનો પ્રથમ ડોઝ અપાઈ ગયો કહેવાય.
 
પરંતુ ડૉક્ટર સુનીલા વધુ એક વાત પણ ઉમેરે છે. કેટલીક વૅક્સિન નવા વેરિયન્ટની સામે પણ અસરકારક સાબિત થઈ રહી છે. પરંતુ કોવિડ 19 એક વખત થઈ જાય ત્યાર પછી બીજા વેરિયન્ટથી સંક્રમિત થવાનું જોખમ ઓછા પ્રમાણમાં પણ રહે છે. તેથી ભારત સરકારની બે ડોઝની ગાઇડલાઇનનું પાલન કરવું જ યોગ્ય છે.
 
ભારત સરકાર શું કહે છે?
બીએચયુના પ્રોફેસરોએ 15 દિવસ અગાઉ પોતાના સૂચન મોકલ્યા હતા. પરંતુ સરકાર તરફથી કોઈ જવાબ નથી આવ્યો. અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે બીએચયુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્રમાં આવે છે.
 
અંગ્રેજી અખબાર "ઇન્ડિયન એક્સપ્રેસ" મુજબ ભારત સરકાર રસીકરણ અભિયાનના ટ્રેકિંગ માટે એક નવું પ્લૅટફોર્મ તૈયાર કરી રહી છે. તેનાથી રસીકરણની રણનીતિને સુધારવામાં મદદ મળશે.
 
તેમાં અલગ અલગ વૅક્સિનના ડોઝ મિશ્ર કરવાથી લઈને સિંગલ ડોઝ વૅક્સિનની અસરને પણ ટ્રેક કર્યા પછી ડેટા એકત્ર કરવામાં આવશે. તેનાથી રસીકરણની રણનીતિને સમયાંતરે સુધારવામાં મદદ મળશે. પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી કે ભારત સરકાર વૅક્સિનની સિંગલ ડોઝની અસર કોવિડમાંથી સાજા થયેલા લોકો પર ટ્રેક કરે છે કે પછી સામાન્ય જનતામાં પણ ટ્રેક કરે છે.
 
કોરોનામાંથી સાજા થયાં પછી રસી ક્યારે મૂકાવવી?
ભારત સરકારે મે મહિનામાં જ કોરોના રસીકરણ અભિયાન અંગે સુધારેલી ગાઇડલાઇન જારી કરી હતી. નવી ગાઇડલાઇન પ્રમાણે કોરોનામાંથી સાજા થયેલાં લોકો સંક્રમણથી મુક્ત થયાંના ત્રણ મહિના પછી રસી મૂકાવી શકે છે. પરંતુ ભારત સરકારની ગાઇડલાઇનમાં આવા લોકો માટે પણ રસીના બે ડોઝનો પ્રસ્તાવ છે.
 
વિશ્વમાં આવા સંશોધન અગાઉ ક્યાં થયા છે?
બીએચયુના પ્રોફેસરોએ જે દિશામાં કદમ આગળ વધાર્યા છે, તે જ દિશામાં વિશ્વના બીજા દેશોમાં પણ સંશોધન આગળ વધી રહ્યા છે. કેટલાક બીજાં રિસર્ચ જર્નલમાં આ મુજબના સમાચાર પણ છપાયા છે.
 
ઇમ્પિરિયલ કૉલેજ લંડનની વેબસાઇટ પર હેલ્થ સેક્શનમાં છપાયેલા એક લેખમાં જણાવાયું છે કે વૅક્સિનનો સિંગલ ડોઝ કોરોના સંક્રમણથી સાજા થયેલાં લોકોમાં બૂસ્ટર ડોઝ તરીકે કામ કરે છે.
 
આ સંશોધન ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં પ્રકાશિત થયું છે. તેમાં બ્રિટનમાં 51 લોકો પર કરવામાં આવેલા સંશોધનના આધારે તારણ કાઢવામાં આવ્યું હતું. તેમાં 24 લોકોને કોરોના થયો હતો જ્યારે બીજાને કોરોના ન હતો. જેમને કોરોના નહોતો થયો, તેમના શરીરમાં વૅક્સિનની પ્રથમ ડોઝ પછી એટલાં જ એન્ટિબૉડી બની ગયા હતા, જેટલા એન્ટિબૉડી ઓછા લક્ષણો ધરાવતા કોરોનાના દર્દીમાં જોવા મળતા હોય છે.
 
જ્યારે કોરોનામાંથી સાજા થયેલાં લોકોમાં વૅક્સિનના એક ડોઝ પછી અનેકગણા વધારે એન્ટિબૉડી બની ગયા હતા.
 
અમેરિકાની એક સંશોધન સંસ્થા સીડર સાઈનાઈ (Cedars Sinai)એ ફાઇઝર-બાયોએન્ટેકની વૅક્સિન અંગે પણ આવું જ સંશોધન કર્યું હતું. 228 લોકો પર થયેલા સંશોધનમાં જાણવા મળ્યું કે કોરોના સંક્રમણમાંથી સાજા થયેલાં લોકોમાં વૅક્સિનના પ્રથમ ડોઝ પછી જેટલાં એન્ટિબૉડી બન્યા, તેટલા એન્ટિબૉડી સંક્રમણ વગરના લોકોમાં બે ડોઝ પછી પેદા થયા હતા.
 
અમેરિકાની સેન્ટર ફૉર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)ની વેબસાઇટ પર રસીકરણ અંગે પ્રશ્નોત્તરીમાં પણ સંક્રમણમુક્ત થયાં બાદ ત્રણ મહિના પછી રસી મૂકાવવાની વાત કરવામાં આવી છે.
 
સીડીસી મુજબ કોરોનાથી સંક્રમિત થયા પછી શરીરમાં કેટલા દિવસ સુધી કુદરતી રોગપ્રતિકારક શક્તિ રહે છે તેની ચોક્કસ માહિતી નથી. તેથી કોવિડ-19માંથી સાજા થયા પછી દરેકે રસી મૂકાવી લેવી જોઈએ.
 
વિશ્વના જે દેશોમાં બે ડોઝની રસી આપવામાં આવે છે ત્યાં કોરોનામાંથી સાજા થયેલાં લોકો માટે બે ડોઝ આપવાની જ નીતિ છે.
 
સીડીસીની ગાઇડલાઇન પ્રમાણે બે ડોઝની વૅક્સિન (જેમ કે કોવેક્સિન અને કોવિશિલ્ડ)ના બંને ડોઝ લીધાના બે સપ્તાહ પછી વ્યક્તિનું સંપૂર્ણ રસીકરણ થયું છે તેમ કહેવાય.
 
સિંગલ ડોઝ વૅક્સિન (જેમ કે જ્હોન્સન એન્ડ જ્હોન્સન)ના સંદર્ભમાં એક ડોઝ લીધાના બે સપ્તાહ પછી જ વ્યક્તિનું સંપૂર્ણ રસીકરણ થયું ગણાય.
 
બીએચયુના પ્રોફેસરોની સલાહ માનવામાં આવે તો આ પરિભાષા પણ બદલવી પડશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર