ગુજરાતમાં 24 કલાકમાં 30 તાલુકામાં વરસાદ પડ્યો, હજી અમદાવાદ કોરૂ ધાકોર

શનિવાર, 22 જૂન 2024 (13:35 IST)
દક્ષિણ ગુજરાતથી પ્રવેશેલું ચોમાસુ હજી નવસારીમાં જ અટકેલું છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 30 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ભાવનગર જિલ્લામાં પોણાબે ઇંચ ખાબક્યો છે. આજે વહેલી સવારથી વલસાડ જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી વલસાડ જિલ્લાના વાપીમાં સૌથી વધુ સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી બાજુ અમદાવાદમાં બફારો વધ્યો છે. ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. અમદાવામાં હજી વરસાદનું આગમન થયુ નથી. 
 
આગામી સાત દિવસ વરસાદની આગાહી
ભાવનગર શહેરમાં ગઇકાલે દિવસભર આકરી ગરમી અને બફારા બાદ રાત્રે 8 વાગ્યા આસપાસ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો.હવામાન વિભાગની આગાહી અનુસાર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટાછવાયાં સ્થળોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ, જેવા કે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં છૂટાછવાયાં સ્થળો પર હળવા વરસાદની શક્યતા છે. આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં ક્યાક ભારે તો ક્યાંક છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા છે. 23 જૂનના રોજ પણ દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. તદુપરાંત આજના દિવસ માટે સમગ્ર ગુજરાત રાજયમાં મેઘગર્જનાની ચેતવણી હવામાન વિભાગે આપી છે.
 
બોટાદમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણી પાણી
બોટાદ શહેરમાં ગઇકાલે સાંજે 6 વાગ્યા બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ધોધમાર વરસાદના કારણે ગણતરીની મિનિટોમાં જ શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં ગઇકાલે સામાન્ય વરસાદની આગાહી કરી હતી. સાંજના સમયે શહેરમાં ભારે પવન ફૂંકાયો હતો, જેના કારણે અનેક વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઊડતાં વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. બીજી તરફ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. નડિયાદ શહેર સહિત ડભાણ, મંજીપુરા, સિલોડ, યોગીનગર, પીપલગ વિગેરે વિસ્તારોમાં મોડીરાત્રે વરસાદી છૂટાછવાયા ઝાપટાં પડ્યા હતા. ઉનાળાની કાળઝાળ ગરમીથી ત્રસ્ત નગરવાસીઓ અને ગ્રામજનો કંટાળ્યા હતા અને છેવટે વરસાદના આગમનથી લોકો હરખાયા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર