માનહાની કેસમાં રાહુલ ગાંધીની મુશ્કેલી વધી, ફરિયાદી પૂર્ણેશ મોદીએ સુપ્રીમમાં કેવિયેટ પીટિશન દાખલ કરી

બુધવાર, 12 જુલાઈ 2023 (13:06 IST)
પૂર્ણેશ મોદીએ અરજીમાં કહ્યુંરાહુલ ગાંધી સુપ્રીમમાં અરજી કરે તો અમારો પક્ષ સાંભળ્યા વિના સુપ્રીમે કોઈ આદેશ કે નિર્દેશ જારી ના કરવો જોઈએ
 
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે માનહાની કેસમાં રાહુલ ગાંધીને રાહત આપી નથી. ત્યારે તેઓ સુપ્રીમ કોર્ટમાં અરજી કરે તે પહેલાં જ ફરિયાદી પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ પીટીશન દાખલ કરી છે. ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુપ્રીમમાં કરેલી અરજીમાં કહ્યું હતું કે, જો રાહુલ ગાંધી ગુજરાત હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરે અને તો તેમની સામે અમરો પક્ષ પણ સાંભળવો જોઈએ.
 
બે વર્ષની સજા પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો 
પૂર્ણેશ મોદીએ અરજીમાં વધુ રજૂઆત કરી હતી કે, સુપ્રીમ કોર્ટે તેમનો પક્ષ સાંભળ્યા વિના કોઈ આદેશ કે નિર્દેશ જારી ના કરવો જોઈએ. ગુજરાત હાઈકોર્ટે ‘મોદી સરનેમ’ બદનક્ષીના કેસમાં દોષિત ઠરેલા રાહુલ ગાંધીને સુરત જિલ્લા અદાલત દ્વારા આપવામાં આવેલી બે વર્ષની સજા પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો. નીચલી અદાલતના નિર્ણયને યોગ્ય ગણાવીને ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધી પરની સજાને રદ કરવાની અરજી ફગાવી દીધી હતી. 
 
હવે રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે
ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીને ઝટકો આપ્યા બાદ હવે તેમની સામે માત્ર એક જ વિકલ્પ બચ્યો છે અને તે છે સુપ્રીમ કોર્ટ. હવે તેઓ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને પોતાની સજા પર સ્ટે મુકવા માટે અરજી કરશે. ત્યારે ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ આ પહેલાં જ કેવિયેટ પીટિશન દાખલ કરીને રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો કર્યો છે. આ વર્ષે 23 માર્ચે, સુરતની નીચલી અદાલતે 2019ની ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં એક રેલીમાં ‘મોદી અટક’ વિશેના ભાષણ માટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની કેદ અને દંડની સજા ફટકારી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર