Rahul Gandhi Defamation Case: ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીને ઝટકો આપ્યો, અરજી ફગાવી

શુક્રવાર, 7 જુલાઈ 2023 (11:10 IST)
Rahul Gandhi Defamation Case: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોટો આંચકો લાગ્યો છે. ગુજરાત હાઇકોર્ટે મોદી સરનેમ મામલે સુરત કોર્ટ દ્વારા ફટકારાયેલી સજા મામલે રાહુલ ગાંધી દ્વારા દાખલ કરવામાં આવેલી રિવ્યૂ પિટિશન ફગાવી દેવામાં આવી છે.મોદી સરનેમના નિવેદન પર માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને ગુજરાત હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે.
 
કોર્ટે માનહાનિના કેસમાં સજા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. આ સાથે જ કોર્ટે રાહુલ ગાંધી દ્વારા સજા પર રોક લગાવવાની માંગ કરતી અરજીને પણ ફગાવી દીધી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી અટક સાથે ટિપ્પણી કરવા બદલ અપરાધિક માનહાનિના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. તેમને બે વર્ષની સજા સંભળાવવામાં આવી હતી, ત્યારબાદ તેમણે સંસદની સભ્યતા ગુમાવી દીધી હતી જે બાદ રાહુલે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.
 
ગુજરાત હાઈકોર્ટનું કહેવું છે કે કોર્ટનો દોષિત ઠેરવવાનો આદેશ યોગ્ય છે, તે આદેશમાં દખલ કરવાની કોઈ જરૂર નથી, તેથી અરજી ફગાવી દેવામાં આવે છે. કોર્ટે વધુમાં કહ્યું કે રાહુલ ગાંધી સામે ઓછામાં ઓછા 10 ફોજદારી કેસ પેન્ડિંગ છે. હાઈકોર્ટના આ નિર્ણય બાદ રાહુલ ગાંધી હવે 2024ની લોકસભાની ચૂંટણી લડી શકશે નહીં અને ન તો તેઓ સંસદ સભ્ય તરીકેના તેમના દરજ્જાના સસ્પેન્શનને રદ કરવાની માંગ કરી શકશે. રાહુલ ગાંધી હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે. રાહુલની લોકસભાની સદસ્યતા પહેલા જ જતી રહી છે.
 
સુરત કોર્ટે 2019માં મોદી અટક અંગે રાહુલ ગાંધીની ટિપ્પણીના કેસમાં 23 માર્ચે ચુકાદો આપ્યો હતો. કોર્ટે તેને કલમ 504 હેઠળ બે વર્ષની જેલની સજા ફટકારી છે. જો કે કોર્ટે નિર્ણયને અમલમાં મૂકવા માટે થોડા દિવસનો સમય પણ આપ્યો હતો. આ સાથે તેમને તાત્કાલિક જામીન પણ આપવામાં આવ્યા હતા. સુરતની કોર્ટે મોદી અટક સંબંધિત ટિપ્પણીને લગતા માનહાનિના કેસમાં તેમની સજા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. જે બાદ રાહુલે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.
 
રાહુલ ગાંધીને સુરત કોર્ટે બે વર્ષની સજા ફટકારતા લોકસભા સચિવાલય દ્વારા જનપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ રાહુલનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. રાહુલ કેરળના વાયનાડથી સાંસદ હતા.  લોકપ્રતિનિધિત્વ અધિનિયમમાં જોગવાઈ છે કે જો કોઈ સાંસદ અને ધારાસભ્યને કોઈ કેસમાં 2 વર્ષ કે તેથી વધુની સજા થાય તો તેમનું સભ્યપદ રદ કરવામાં આવે છે. આ સાથે જ સજાનો સમયગાળો પૂરો કર્યા બાદ તેઓ છ વર્ષ સુધી ચૂંટણી લડવા માટે પણ અયોગ્ય બની જાય છે.
 
2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'બધા ચોરોની અટક મોદી કેવી રીતે છે?' રાહુલના નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ કલમ 499, 500 હેઠળ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમની ફરિયાદમાં, બીજેપી ધારાસભ્યએ આરોપ લગાવ્યો હતો કે 2019 માં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે, રાહુલે કથિત રીતે એમ કહીને સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો હતો કે બધા ચોરોની અટક મોદી કેમ છે?
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર