અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટમાં તિસ્તા સેતલવાડ દ્વારા રેગ્યુલર જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જેને કોર્ટે આજે ફગાવી દીધી હતી અને અવલોકન કર્યું હતું કે, કેસની ગંભીરતાને જોતા જામીન આપી શકાય તેમ નથી. કેસની તપાસ અને ચાર્જફ્રેમમાં તિસ્તાએ સહકાર આપવો જોઈએ. જામીન અરજી ફગાવી દઈને તેમને તાત્કાલિક સરેન્ડર થવાનો આદેશ આપ્યો છે. તીસ્તા પર 2002ના ગોધરાકાંડ બાદના રમખાણો સાથે જોડાયેલા કેસોમાં પુરાવા સાથે છેડછાડ અને સાક્ષીઓને ટ્રેનિંગ આપવાનો આરોપ છે.
તિસ્તાના વકીલની માંગને પણ ફગાવી
સેતલવાડની જામીન અરજી પર જસ્ટિસ નિર્જલ દેસાઈએ ચુકાદો સંભળાવ્યા બાદ વરિષ્ઠ વકીલ મિહિર ઠાકોરે કોર્ટને આ ચુકાદાના અમલ પર 30 દિવસ માટે રોક લગાવવાની વિનંતી કરી હતી પરંતુ જસ્ટિસ દેસાઈએ આ વિનંતી ફગાવી દીધી હતી. હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટમાં અપીલ ન થાય ત્યાં સુધી આ નિર્ણય પર રોક લગાવવાની તિસ્તાના વકીલની માંગને પણ ફગાવી દીધી છે. આ ઉપરાંત સેશન્સ કોર્ટમાં ચાલતા કેસમાં પણ તિસ્તાને સહકાર આપવા કોર્ટે આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે અત્યાર સુધી ધરપકડથી રક્ષણ આપ્યું
સેતલવાડને સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર 2022માં આપેલા વચગાળાના જામીન પર સુપ્રીમ કોર્ટે અત્યાર સુધી ધરપકડથી રક્ષણ આપ્યું હતું. ત્યારબાદ તેમને આ કેસમાં જ્યુડિશિયલ કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી મોદીને ક્લિનચીટ આપતા એસઆઇટી રિપોર્ટને પડકારતી ઝાકિયા જાફરીની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે તિસ્તા સેતલવાડ પોતાનો સ્વાર્થ સાબિત કરવામાં વ્યસ્ત છે. કોર્ટે સંજીવ ભટ્ટ અને આર બી શ્રીકુમાર મારફતે ખોટી એફિડેવિટ ફાઇલ કરવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.