દ્વારકામાં કોંગ્રેસની ચિંતન શિબિરમાં હાજરી આપવા રાહુલ ગાંધી 22થી 27 ફેબ્રુઆરી ગુજરાત પ્રવાસે આવશે

મંગળવાર, 15 ફેબ્રુઆરી 2022 (09:46 IST)
આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવવા જઈ રહી છે. તેને લઈ ભાજપ, કોંગ્રેસ અને આપ તૈયારીમાં લાગી ગયા છે. કોંગ્રેસ દ્વારા પણ વધુમાં વધુ બેઠકો મેળવવા માટે તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ત્યારે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતના 4 દિવસના પ્રવાસે આવવાના છે. રાહુલ ગાંધી 4 દિવસ એટલે 22 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી ગુજરાત પ્રવાસે રહેશે.

દ્વારકામાં કોંગ્રેસની ચિંતન શિબિર યોજાવવાની છે, જેમાં રાહુલ ગાંધી હાજરી આપશે. કોંગ્રેસની આ ચિંતન શિબિરમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ રણનિતી તૈયાર કરવામાં આવશે. ઉપરાંત રાજ્યના કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ ચિંતન શિબિરમાં ભાજપને ઘેરવાની રણનિતી તૈયાર કરવામાં આવશે. માનવામાં આવે છે કે દ્વારકાધીશના દર્શન બાદ રાહુલ ગાંધી ચૂંટણીની રણનીતિ માટેનો શંખનાદ ફુંકશે.કોંગ્રેસ વિધાનસભા ચૂંટણી જીતવા માટે કોઇ કસર છોડવા નથી માગતી.

છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ રાજ્યની સત્તાથી દૂર રહી છે. ત્યારે હવે ફરી સત્તા મેળવવા માટે કોંગ્રેસ દ્વારા 2022ની વિધાનસભા ચૂંટણી જીતવા માટે તૈયારીઓ શરુ કરી દેવાઇ છે. ગુજરાત કોંગ્રેસે પક્ષના અલગ અલગ ધારાસભ્યોને જવાબદારી સોંપી છે. સી.જે.ચાવડાને વિધાનસભામાં દંડકની જવાબદારી સોંપવામાં આવી છે. તો લલિત વસોયાને ઉપ દંડક તેમજ નિરંજન પટેલને ખજાનચીની જવાબદારી સોંપાઈ છે. આ ઉપરાંત વિરજી ઠુમ્મર, પૂંજા વંશ, અશ્વિન કોટવાલ, ગ્યાસુદ્દીન શેખ, બળદેવજી ઠાકોર, અમરીશ ડેર અને કિરીટ પટેલને પ્રવક્તા તરીકેની જવાબદારી આપવામાં આવી છે. જ્યારે ધારાસભ્ય અનંત પટેલની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આદિ જાતિ મોરચાના ચેરમેન તરીકે વરણી કરાઈ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર